મુંબઈ : ચાલુ સપ્તાહમાં સતત નબળા અને સપાટ પ્રદર્શન બાદ આજે સપ્તાહના છેલ્લા અને સપ્ટેમ્બરના પ્રથમ દિવસે શેરબજારમાં રોનક પાછી આવી છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 555 અને 203 પોઈન્ટ ઉછળીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ હળાવ સુધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ શેરબજારમાં ચોતરફ લેવાલીથી રોકાણકારોને તગડો નફો થયો છે.
BSE Sensex : આજે 1 સપ્ટેમ્બર શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 64,831 બંધની સામે 24 પોઈન્ટ વધીને 64,855 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં જરા ઘટીને 64,818 પોઈન્ટ ડાઉન ગયા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 65,473 પોઈન્ટની ડે હાઈ બનાવી 655 પોઈન્ટની રિકવરી નોંધાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 555 પોઈન્ટ ઉચકાયા બાદ 65,387 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.86 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex ઈન્ડેક્સ 255 પોઈન્ટ તૂટીને 64,831 ના મથાળે બંધ રહ્યો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 181 પોઈન્ટ (0.94 %) સુધારા સાથે 19,435 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે નજીવો વધીને 19,258 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,255 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ત્યારબાદ લેવાલી નિકળતા સતત ઉપર ચડતો રહીને 203 પોઈન્ટની રિકવરી નોંધાવ્યા બાદ 19,458 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 93 પોઈન્ટ ઘટીને 19,253 મથાળે બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ : શેરબજારમાં ચોતરફ ખરીદીના કારણે રોકાણકારોને જંગી ફાયદો થયો છે. સપ્ટેમ્બર એક્સપાયરીના પહેલા દિવસે રોકાણકારોએ લગભગ રુ. 3 લાખ કરોડ રૂપિયાનો બમ્પર નફો કર્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ શુક્રવારે 312.34 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે 31 ઓગસ્ટના રોજ 309.59 લાખ કરોડ રૂપિયા હતી.
સુસ્ત વૈશ્વિક વૃદ્ધિ અને નબળું પડી રહેલું ચોમાસું બજાર માટે મુખ્ય અવરોધ છે. ભારતની જીડીપી વૃદ્ધિ આરબીઆઈની અપેક્ષા કરતાં ઓછી છે. પરંતુ તેમ છતાં ભારત 7.8%ના દરે વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં સાવચેતી જરૂરી છે. કારણ કે વેલ્યુએશન ખેંચાઈ રહ્યું છે. લાંબા ગાળાના રોકાણકારો બજારની નબળાઈનો ઉપયોગ બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને ઓટોમોબાઈલમાં ઉચ્ચ ગુણવત્તાના શેરો ખરીદવા માટે કરી શકે છે. પસંદગીના ઓટો શેરો ફોકસમાં હોઈ શકે છે. જે આજે જાહેર કરવામાં આવનાર માસિક વેચાણ આંકડા પર પ્રતિક્રિયા આપશે. -- આસિફ હિરાણી (ડિરેક્ટર, ટ્રેડ બુલ્સ સિક્યુરિટીઝ)
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એનટીપીસી (4.84 %), JSW સ્ટીલ (3.37 %), ટાટા સ્ટીલ (3.33 %), મારુતિ સુઝુકી (3.24 %) અને પાવર ગ્રીડ કોર્પો. (3.07 %) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ (-0.50 %), સન ફાર્મા (-0.34 %), નેસ્લે (-0.26 %) અને લાર્સન (-0.17 %) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1261 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 788 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, BHEL, SBI, રિલાયન્સ અને અદાણી એન્ટરપ્રાઇઝના સ્ટોક રહ્યા હતા.