મુંબઈઃ નવા વર્ષ 2024નો પ્રથમ દિવસ શેર માર્કેટમાં નરમ રહ્યો. આજે સમગ્ર દિવસ શેર બજારના સૂચકાંકો રેડ ઝોનમાં વધુ રહ્યા. થોડો સમય ગ્રીન ઝોનમાં માથુ ઉચક્યા બાદ ફરીથી સૂચકાંકો રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. જો કે માર્કેટ ક્લોઝ થયું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. દિવસ દરમિયાન ઈન્ટ્રાડે સેક્ટરમાં સૂચકાંકોએ નવી ઊંચાઈ હાંસલ કરી હતી.
ક્લોઝિંગ બેલ સમયે બીએસઈ સેન્સેક્સ 32 અંકો વધીને 72,272ની સપાટીએ અને નિફ્ટી 0.05 ટકા વધીને 21,742ની સપાટીએ બંધ થયો હતો. બંને સૂચકાંકો આજે 72,562 અને 21,834ની સર્વોચ્ચ સપાટીએ પહોંચવામાં સફળ રહ્યા હતા. બજારોમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ આજે પહેલા 37,159ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ 0.54 ટકાની વૃદ્ધિ દર્શાવીને બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 43,095ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ નિફ્ટી બેન્ક અને ઓટોમાં 0.1 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જયારે નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ 1.8 ટકા વધ્યો હતો.
વૈશ્વિક બજારો નરમ રહેવાને પરિણામે 2024ના પહેલા દિવસે શરુઆતમાં શેર માર્કેટ નરમ રહ્યું હતું. સેન્સેક્સ શરુઆતના વેપારમાં 207.29 પોઈન્ટ ઘટીને 72,032.97 પર આવી ગયો હતો. જ્યારે નિફટી 46.65 પોઈન્ટ ઘટીને 21,684.75 પર આવી ગયો હતો. ટાટા મોટર્સ, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેન્ક અને પાવર ગ્રીડના શેર્સમાં ઉછાળોમાં જોવા મળ્યો હતો. વર્ષ 2023ના બીએસઈ સેન્સેક્સમાં 11,399.52 પોઈન્ટ અથવા 18.73 ટકા ઉછાળો જોવા મળ્યો જ્યારે નિફ્ટીમાં 3,626.1 પોઈન્ટ અથવા 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એશિયાઈ બજાર ન્યૂ યર સંદર્ભે બંધ રહ્યા હતા.