- રેમડેસીવીરનો જથ્થો લઈને પ્લેન ગુજરાતથી ગ્વાલિયર જઈ રહ્યુ હતું
- ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે થયું હતું પ્લેન ક્રેશ
- પ્લેન ક્રેશમાં બે પાયલોટ સહિત કુલ 3 લોકોને ગંભીર ઈજાઓ
નવી દિલ્હી/ગ્વાલિયર: ગુજરાતથી રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો લઈને મધ્યપ્રદેશનું સ્ટેટ પ્લેન ગ્વાલિયર જઈ રહ્યું હતું. આ પ્લેન ગ્વાલિયર એરપોર્ટના રન-વે પર દુર્ઘટનાગ્રસ્ત થતા ક્રેશ થયું હતું. જેમાં પાયલોટ સઈદ અખ્તર, સહ પાયલોટ જયશંકર જયસ્વાલ અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
લેન્ડિંગ વખતે પલટી ગયુ પ્લેન
પ્લેન ગ્વાલિયર એરપોર્ટના રન-વે પર લેન્ડિંગ કરતી વખતે પલટી ગયુ હતું. આ ઘટનાનું કારણ તકનિકી ખરાબી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમણે પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત થયેલા પાયલોટ્સને સારવાર માટે ખસેડ્યા હતા. સ્થાનિક કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે આ ઘટનાની પુષ્ટી કરી હતી. જોકે, તેમણે ઈજાગ્રસ્તોની હાલત અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.