તિરુપરઃ તમિલનાડુના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિને રવિવારે ડીએમકે કાર્યકર્તાઓની મીટિંગને સંબોધન કર્યુ હતું. સ્ટાલિને કહ્યું કે અમે લોકસભા ચૂંટણી-2024ની રાહ જોઈ રહ્યા છીએ. અમે ચૂંટણી પ્રતિનિધિઓની બેઠકોનું આયોજન કરીશું. જે ચૂંટણીની તૈયારીનું પ્રાથમિક કાર્ય છે. હું આપ કાર્યકર્તાઓનો ચહેરો જોવા માટે તિરુપુર આવ્યો છું.
સમગ્ર દેશ ડીએમકેઃ સ્ટાલિને કહ્યું કે તમિલનાડુના 40 લોકસભા વિસ્તાર અને સમગ્ર દેશ ડીએમકે છે. મને પોલિંગ એજન્ટમાં વિશ્વાસ છે. સફળતા જ એકમાત્ર લક્ષ્ય હોવો જોઈએ. તમિલનાડુમાં મતદાતા યાદીની સત્યાર્થતા પહેલું કર્તવ્ય છે. બીજું કર્તવ્ય સાચા મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાનું છે. ત્રીજું કર્તવ્ય મતદાતાઓને મતદાન મથક સુધી લાવવાનું છે. આપણો વિરોધ કરવાવાળા આ દેશમાં નહીં રહે. સમગ્ર જનતાને અમારી સરકાર પર ભરોસો છે.
તમિલનાડુમાં વચન ન નિભાવ્યાઃ ભાજપ ત્રીજીવાર સત્તામાં ન આવવી જોઈએ. ભાજપે સત્તામાં આવ્યા બાદ પોતાનું એકપણ વચન પૂર્ણ કર્યુ નથી. ભાજપ ઊંધી દિશામાં જઈ રહી છે. વડાપ્રધાન મોદીએ દર વર્ષે 2 લાખ યુવકોને રોજગારીનું વચન આપ્યું હતું, પરંતુ આજે બેરોજગારીનો દર 40 વર્ષમાં ટોચ પર છે. ભાજપે તમિલનાડુના જિલ્લા સલેમમાં સ્મેલટરના આધુનિકીકરણનું વચન આપ્યું હતું જે તેમણે પાળ્યું નથી. અન્ય એક જિલ્લા ઈરોડના કાપડ ઉદ્યોગનો વિકાસ પણ કર્યો નથી. ઈરોડની હળદરને આયુર્વેદિક સૌંદર્યમાં વાપરવાનું વચન આપ્યું હતું પરંતુ આ વચન પણ પાળ્યું નથી. તમિલનાડુના 4 જિલ્લાઓમાં એક નવા એરપોર્ટના વચનનું પણ પાલન કર્યુ નથી. વડાપ્રધાન મોદીએ સંસદમાં આ વિશે એક પણ હરફસુદ્ધા ઉચ્ચાર્યો નથી.
ચંદ્રયાન-3ની સિદ્ધિમાં દરેક વડાપ્રધાનનો ફાળોઃ પ્રત્યેક દેશ વર્ષમાં એકવાર G-20 સમ્મેલનની અધ્યક્ષતા કરે છે, ભારતે અધ્યક્ષતા કરી તેમાં કંઈ વિશેષ નથી. ચંદ્રયાન-3ની સફળતાના બીજ નહેરૂના સમયથી વવાયા હતા. નહેરુથી લઈને મનમોહન સિંહ જેવા અનેક વડાપ્રધાનોનો આમાં સિંહફાળો રહેલો છે. વિપક્ષોએ આ મુદ્દે પુરાવા સાથે પોતાની દલીલ રજૂ કરી હતી. ચૂંટણી ટાણે મહિલા આરક્ષણ વિધેયક લાવવામાં આવ્યું. જો તેમને મહિલાઓની સાચે જ પરવાહ હોત તો ઘણા સમય પહેલા આ વિધેયક પસાર કરી દેત.