મુંબઈ : 19 જાન્યુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં નફાની આશા જાગી છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સહિત Nifty IT તથા Bank પણ વધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. BSE Sensex 600 પોઈન્ટના વધારા સાથે 71,787 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ 153 પોઇન્ટ વધીને 21,615 ના મથાળે ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર : આજે 19 જાન્યુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 71,187 ના બંધ સામે 600 પોઈન્ટના વધારા સાથે 71,787 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,462 ના બંધની સામે 153 પોઇન્ટનો સુધારો નોંધાવી 21,615 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરૂઆતી કારોબારમાં જ BSE Sensex અને NSE Nifty મજબૂત ટ્રેન્ડ કરી રહ્યા છે.
ગ્લોબલ શેરમાર્કેટ : અમેરીકી બજારમાં જોરદાર રિબાઉન્ડ નોંધાયું છે. DOW 200 પોઇન્ટ ઉછળીને ડે હાઈ પાસે બંધ રહ્યો હતો. આઈટી સેક્ટરના દમ પર માર્કેટમાં એક્શન જોવા મળ્યું હતું. નાસ્ડેક અને S&P 500 વર્ષ 2024 માટે પોઝિટિવ ઝોનમાં પ્રવેશ્યા છે. જેમાં નાસ્ડેક 1.4% વધ્યો હતો. બેન્ક ઓફ અમેરિકાના અપગ્રેડ પર Apple 3.3% નો વધારો છે. જ્યારે મેટામાં 1.5% ના વધારા સાથે કંપની કેટલાક કર્મચારીઓની છટણી કરે તેવી સંભાવના છે.
મજબૂત વૈશ્વિક સંકેત : આજે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોના આધારે બજારમાં ખરીદી થઈ શકે છે. બજારમાં IT, ફાઈનાન્શિયલ અને મેટલ સેક્ટરમાં સૌથી વધુ ખરીદી થઈ રહી છે. નિફ્ટીમાં ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા ટેક ટોપ ગેઇનર્સ છે. જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના સ્ટોક ગગડ્યા છે.
વૈશ્વિક કોમોડિટી બજાર : ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ દેખાઈ રહી છે. ક્રૂડ ઓઇલ 79 ડોલરની નજીક છે. યુએસ સાપ્તાહિક ક્રૂડ સ્ટોકમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે. ઓપેકના તાજેતરના રિપોર્ટમાં આગામી બે વર્ષ માટે સારા ડિમાન્ડ ગ્રોથનો અંદાજ છે. સોનું 20 ડોલર મજબૂત થયું છે. જ્યારે બેઝ મેટલમાં મિશ્ર અને એગ્રી કોમોડિટીઝમાં રિકવરીનું વલણ જોવા મળ્યું છે.