યાદગીરી: કર્ણાટકના યાદગીરી જિલ્લામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એટલું જ નહીં આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આંધ્રપ્રદેશના નંદ્યાલા જિલ્લાના વેલાગોડુ ગામના રહેવાસી હતા અને કલબુર્ગીમાં ચાલી રહેલા દરગાહ ઉર્સ મેળામાં જઈ રહ્યા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક જ પરિવારના મુનીર (40), નયામત ઉલ્લાહ (40), મીઝા (50), મુદસ્સીર (12) અને સુમ્મી (13) સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. આ આખો પરિવાર ક્રુઝર કારમાં ઉર્સ મેળામાં જઈ રહ્યો હતો. ત્યારે ક્રુઝર રોડ કિનારે પાર્ક કરેલી લારી સાથે અથડાઈ હતી. કારમાં લગભગ 18 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
બચાવ કામગીરી: અકસ્માત થતાં જ સ્થાનિક લોકો અને વાહનચાલકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. વાહનમાં સવાર ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં આ વાતની જાણકારી પોલીસને આપવામાં આવી, સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત માટે ક્રુઝરના ડ્રાઈવરની ભૂલ હતી. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ સંપૂર્ણ તપાસ બાદ જ જાણી શકાશે. આ બનાવ અંગે સૈદાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘાયલોના નામ: આયેશા, અનસ, સુહાના, રમીઝા, મસી ઉલ્લાહ, સીમા, રિયાઝ ઉનબી, મુજ્જુ, નસીમા, માશૂમ બાશા, મુઝાકીર, હનીફા અને સોહેલ ઘાયલ થયા હતા. તેમને રાયચુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.