- લખીમપુર ખેરીમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસા મામલે સોમવારે સુનાવણી
- ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોતની ઘટના બાબતે
- લખીમપુર ખેરી કેસની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ લખીમપુર ખેરી(Lakhimpur Kheri)માં 3 ઓક્ટોબરે થયેલી હિંસા સંબંધિત મામલાની સોમવારે એટલે કે આજે સુનાવણી કરશે. આ ઘટનામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ આ મામલાની સુનાવણી કરશે જેમાં કોર્ટે(Supreme Court) 26 ઑક્ટોબરે ઉત્તર પ્રદેશ સરકારને લખીમપુર ખેરી હિંસા કેસમાં સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે નિવેદનો રેકોર્ડ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો
કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC)ની કલમ 164 હેઠળ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને નિષ્ણાતો દ્વારા વહેલામાં વહેલી તકે ડિજિટલ પુરાવાઓની તપાસ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ટોળા દ્વારા પત્રકાર તેમજ શ્યામ સુંદર નામના વ્યક્તિની કથિત લિંચિંગના કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
લખીમપુર ખેરી કેસની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી
બે વકીલોએ ચીફ જસ્ટિસને પત્ર લખીને લખીમપુર ખેરી કેસની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. આ પૃષ્ઠભૂમિમાં જ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે 26 ઓક્ટોબરે બેન્ચને કહ્યું હતું કે, 68 સાક્ષીઓમાંથી 30ના નિવેદન CrPCની કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યા છે તેમજ કેટલાક અન્ય લોકોના નિવેદનો પણ નોંધવામાં આવશે. આ 30 સાક્ષીઓમાંથી 23 સાક્ષીઓએ પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચોઃ ફરૂખાબાદ જેલમાં કેદીના મોત બાદ કેદીઓ દ્વારા હોબાલો મચાવવામાં આવ્યો
આ પણ વાંચોઃ ભાજપનો કાર્યકર્તા સામાન્ય માણસના મનનો વિશ્વાસ સેતુ બને : વડાપ્રધાન