નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને શ્રીનગરની સરકારી શાળામાં રાજકીય વિજ્ઞાનના વરિષ્ઠ શિક્ષક ઝહૂર અહમદ ભટને સસ્પેન્ડ કરવા અંગે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાત કરવા કહ્યું છે. ઝહૂર વડી અદાલતમાં પોતે હાજર થયા હતાં અને 370 કલમ નાબૂદ કરવા સામે દલીલ કરી હતી. કલમ 370 નાબૂદ કરવામાં આવેલી છે જે અગાઉના જમ્મુ કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી.
ઝહૂરે રુબરુ હાજર રહી દલીલો કરી : સુપ્રીમ કોર્ટે સોમવારે એટર્ની જનરલ આર વેંકટરામણીને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાત કરવા જણાવ્યું હતું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, જવાહર નગર, શ્રીનગરમાં રાજકીય વિજ્ઞાનના લેક્ચરર ઝહૂર અહમદ ભટને સસ્પેન્ડ કરવા અંગે વાત કરે. શિક્ષકે સુપ્રીમ કોર્ટમાં રુબરુ ઉપસ્થિત રહીને કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દલીલ કરી હતી તેમ જ જણાવ્યું કે તેમની બરતરફી યોગ્ય નથી.
કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર સુનાવણી : વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને રાજીવ ધવને સર્વોચ્ચ અદાલત સમક્ષ ઝહૂર અહમદ ભટને સસ્પેન્ડ કરવાના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. સિબ્બલે કહ્યું હતું કે તેઓ તાજેતરમાં કોર્ટમાં હાજર થયા હતા અને કલમ 370ની તરફેણમાં દલીલ કરી હતી અને તેમનું સસ્પેન્શન વાજબી નથી. લોકશાહી આવી રીતે ચાલતી નથી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ આ કેસમાં સુનાવણી કરી રહી છે. જેમાં જસ્ટિસ એસ કે કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત આ બેંચમાં સમાવેશ થાય છે. આ બેંચ કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
સસ્પેન્શનનો સમય યોગ્ય નથી : ચીફ જસ્ટિસે કહ્યું કે બીજું કંઈ હોય તો એ અલગ વાત છે પરંતુ તેમની સામે હાજર થવાની અને પછી સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા કેમ સિલસિલાબંધ ચાલુ રહી છે. જસ્ટિસ કૌલે મહેતાને અરજી અને આદેશ વચ્ચેની નિકટતા તરફ ધ્યાન દોર્યું. બેન્ચે એજી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે કલમ 370 અને સસ્પેન્શનના મામલે કોર્ટમાં તેમની હાજરીની નિકટતા ચિંતાનું કારણ છે. મહેતાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના અધિકારીઓ તેના પર વિચાર કરશે. આ સાથે તેમણેે સ્વીકાર્યું કે સસ્પેન્શનનો સમય યોગ્ય નથી લાગતો.
જમ્મુ કાશ્મીરના એલજી સાથે વાત કરવા જણાવાયું : સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરામણીને કહ્યું કે જમ્મુ કાશ્મીરના એલજી સાથે વાત કરવા અને શું કરી શકાય તે જોવુંં. મહેતાએ કહ્યું કે અન્ય કારણો પણ છે. કારણ કે ઝહૂર શિક્ષણ કાર્યમાંથી રજા લઇ વિવિધ કેસોમાં કોર્ટમાં હાજર થતાં રહે છે. ખંડપીઠે સસ્પેન્શનના સમય અંગે મહેતાને પ્રશ્ન કર્યો અને કહ્યું, 'આટલી સ્વતંત્રતાનું શું થશે?' મહેતાએ કહ્યું કે દરેક વ્યક્તિને કોર્ટમાં હાજર થવાનો અધિકાર છે અને તે ક્યારેય બદલો લેવાના સ્વરૂપમાં ન હોઈ શકે અને સત્તાવાળાઓ આ ચિંતાનું ધ્યાન રાખશે.
ગત સપ્તાહમાં બરતરફી થઇ : ગયા સપ્તાહમાં જમ્મુ અને કાશ્મીર પ્રશાસને એક સરકારી લેક્ચરરને સસ્પેન્ડ કરી દીધા હતા. લેક્ચરરે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં કલમ 370ની તરફેણમાં દલીલ કરી હતી. ભટ્ટને સુપ્રીમ કોર્ટમાં તેમની હાજરી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં, જ્યાં તેમણે કલમ 370 અને તેની સાથે સંકળાયેલ કલમ 35-A નાબૂદ કરવા સામે દલીલો કરી હતી.
કયા નિયમો હેઠળ બરતરફી થઇ : એક અધિકૃત નિવેદનમાં સરકારે ભટને તેમના આચરણની તપાસ બાકી રહેવા સુધી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. સસ્પેન્શન જમ્મુ કશ્મીર સિવિલ સર્વિસ રેગ્યુલેશન (સીએસઆર), જમ્મુ કશ્મીર સરકારી કર્મચારી(આચરણ) નિયમ 1971 અને જમ્મુ કશ્મીર રજા નિયમોમાં ઉલ્લેખિત જોગવાઈઓના ઉલ્લંઘન પર આધારિત છે. સસ્પેન્શનના આદેશમાં ઝહૂર અહમદ ભટને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન જમ્મુમાં શાળા શિક્ષણ નિયામકની ઓફિસમાં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.