ગાંધીનગર : ગુજરાતમાં યોજાવા જઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તમિલનાડુના તન્જાવુર સ્ટેટના રાજા બાબાજી ભોંસલેને રૂબરૂ નિમંત્રણ આપવા માટે પ્રધાન કુંવરજી બાવળિયા તમિલનાડુ પહોંચ્યાં હતાં. તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવા તેઓએ આ મુલાકાત કરી હતી.
મદુરાઇ સહિતના 9 શહેરોમાં રોડ શો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં આગામી 17 એપ્રિલથી યોજવા જઈ રહેલા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને આમંત્રણ આપવા માટે તમિલનાડુના 9 શહેરોમાં વિવિધ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં ગુજરાત સરકારના જળસંપત્તિપ્રધાન કુંવરજી બાવળિયા આ રોડ શો માટે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : Saurashtra Tamil Sangam: ગુજરાતમાં 17 થી 26 એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ
ભાવભરી વિનંતી : રોડ શો વેળાએ કુંવરજી બાવળિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તન્જાવુર સ્ટેટના રાજા બાબાજી ભોંસલેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ વતી તન્જાવર પેલેસ ખાતે રૂબરૂ મળીને નિમંત્રણ પાઠવ્યું હતું. સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભરી વિનંતી કરી હતી.
આભાર માન્યો : આ પ્રસંગે જળસંપત્તિપ્રધાન કુંવરજી બાવળિયાએ તન્જાવુર સ્ટેટના રાજા બાબાજી ભોંસલેનો ખાસ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લગભગ એક હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોકો મદુરાઈ ખાતે આશરો શોધવા આવેલા. ત્યારે મદુરાઈ સ્ટેટે આપેલા આશરા, પ્રેમ અને સહયોગના કારણે અહીં સૌરાષ્ટ્ર તમિલ સમાજ માત્ર વસ્યો જ નથી, પણ દૂધમાં સાકરની જેમ ભળીને ઘણી પ્રગતિ કરી છે.
રાજા બાબાજી ભોંસલેનું સન્માન : તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમિલનાડુના વિકાસમાં પણ અહીં વસેલા સૌરાષ્ટ્રીયન ગુજરાતીઓએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. ગુજરાતી પરિવારોની આ સફળતા રાજા બાબાજી ભોંસલે પૂર્વજોના મીઠા આવકારથી સાર્થક થઈ હોવાથી ગુજરાત રાજા બાબાજી ભોંસલેનું સન્માન કરવા ઈચ્છે છે. જેથી ગુજરાતના નિમંત્રણને સ્વીકારી ગુજરાતમાં યોજાનારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પધારવા માટે પ્રધાન કુંવરજી બાવળિયાએ આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનું મહત્ત્વ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી એપ્રિલમાં સોમનાથમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવી શકે છે. 17 એપ્રિલે પીએમ મોદી સોમનાથમાં આવશે અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપશે. જોકે જણાવીએ કે આ વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયે વર્ષ 2005 થી મૂળ સૌરાષ્ટ્રના પરંતુ તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના લોકોનું સંગમ કાર્યક્રમ આયોજિત થાય તે માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. આગામી 17 મી એપ્રિલના દિવસે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો ગુજરાત અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ તમિલનાડુની મુલાકાત કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હાજરી આપવા માટે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને આમંત્રણ પણ આપી રહ્યા છે.