કોલકાતા: બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે ઈડન ગાર્ડન મેદાનમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળને 9 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વિજય બાદ સૌરાષ્ટ્રની ટીમ રણજીની ચેમ્પિયન બની છે. 2019-20ની ફાઇનલમાં પણ બંને ટીમો ફાઇનલમાં પહોંચી હતી અને સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી.
સૌરાષ્ટ્ર બન્યું રણજી ચેમ્પિયન : આ રણજી ટ્રોફી ફાઈનલ મેચમાં બંગાળની ટીમે પ્રથમ દાવમાં 174 રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 404 રન બનાવીને જંગી લીડ મેળવી હતી. આ પછી બંગાળની ટીમ બીજા દાવમાં માત્ર 241 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં સૌરાષ્ટ્રની ટીમને માત્ર 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે સૌરાષ્ટ્રની ટીમે 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
જયદેવ ઉનડકટે કેપ્ટનશીપની ભૂમિકા ભજવી : રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં જયદેવ ઉનડકટે કેપ્ટનશીપની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ દાવમાં બંગાળના 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તેણે 6 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે સમગ્ર મેચમાં 9 ખેલાડીઓને આઉટ કરીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી. બંગાળ તરફથી શાહબાઝ અહેમદ (69) અને અભિષેક પોરાલે પ્રથમ દાવમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.
સ્કોર બોર્ડ પર એક નજર : અનુસ્તુપ મજુમદાર (61) અને મનોજ તિવારીએ (68) બીજા દાવમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં સૌરાષ્ટ્ર તરફથી અર્પિત વસાવડા (81)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. તિવારી ઉપરાંત ચિરાગ જાની, શેલ્ડન જેક્સન અને હાર્વિક દેસાઈએ પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેના કારણે બંગાળને કચડીને સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું હતું.