વારાણસીઃ 34 વર્ષીય સૌરભ મૌર્ય વારાણસીમાં રહેતા પ્રખ્યાત રક્તદાતા છે. સૌરભ અત્યાર સુધી 188 વખત રક્તદાન કરી ચૂક્યા છે. સૌરભ માને છે કે કોઈનો જીવ બચાવવા માટે કામમાં આવવું તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. વર્ષ 2007થી અત્યાર સુધી સૌરભ હજારો જિંદગી બચાવી ચૂક્યા છે. સૌરભ બનારસમાં સાધના ફાઉન્ડેશન નામક સંસ્થા ચલાવે છે. આ સંસ્થા દેશ વ્યાપી છે. સૌરભ પોતે દેશભરની 3700 સંસ્થા સાથે સંકળાયેલા છે. તે અને અન્ય 7 લાખની ટીમ અત્યાર સુધી 25000થી વધુ જિંદગી બચાવી ચૂક્યા છે. સૌરભની વિંગમાં બ્લડ કમાન્ડોનો સમાવેશ થાય છે જેઓ રક્તદાન કરીને લોકોનો જીવ બચાવે છે.
સૌરભે ઈટીવી ભારતને જણાવ્યું કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોઈને પણ ક્યાંય પણ કયારે પણ લોહીની જરુર હોય તો તેઓ અમારી હેલ્પલાઈન પર કોલ કરીને મદદ મેળવી શકે છે. અમે નિસ્વાર્થભાવે દર્દીઓની સેવા કરીએ છીએ. સૌરભે 2007માં પોતાના મિત્રની દાદી માટે સુંદરલાલ હોસ્પિટલમાં પ્રથમ વખત બ્લડ ડોનેશન કર્યુ હતું. તે દરમિયાન થેલેસીમિયા બાળ દર્દીઓને લોહી માટે ટળવળતા જોયા હતા. આ જોઈને સૌરભ પીગળી ગયા. સૌરભને વિચાર આવ્યો કે તંદુરસ્ત વ્યક્તિ જો રક્તદાન કરે તો લોહીની અછત સર્જાશે નહી અને દર્દીઓને ટળવળવું પડશે નહીં.
2007માં સૌરભે પોતાના મિત્રો સાથે મળીને બ્લડ કમાન્ડો ગ્રૂપની શરુઆત કરી. આ ગ્રૂપ દર્દીઓને રક્ત પૂરુ પાડવા ઉપરાંત રક્તદાતાઓને રક્તદાનમાં પણ મદદરુપ થાય છે. 2012 સુધી આમ જ ચાલતું રહ્યું પરંતુ નાણાકીય સમસ્યાને લીધે તેમણે એક સંસ્થા બનાવવાનો નિર્ણય લીધો. 2012માં તેમણે સાધના ફાઉન્ડેશન નામક એનજીઓની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના થયા બાદ અનેક મોટી સંસ્થાઓએ સૌરભને બ્લડ ડોનેશન કેમ્પ માટે આમંત્રિત કર્યા હતા. જોત જોતામાં તો અનેક સિસ્ટર કન્સર્ન સંસ્થાઓ સૌરભના આ મિશન સાથે જોડાઈ ગઈ. સૌરભ માને છે કે સમાજમાં પરિવર્તન જરુરી છે. લોહીના બદલે લોહી વહાવી દેવું સરળ છે પણ કોઈને લોહી આપીને તેની જિંદગી બચાવવી તે બહુ મોટા પુણ્યનું કામ છે. તેની સાબિતી જેનો જીવ બચે છે તેના પરિવારના સભ્યોના ચહેરા પર છલકાતો આનંદ છે.
બનારસ અને પૂર્વોત્તરની હોસ્પિટલ્સમાં લોહીની અછતને લીધે થતા મૃત્યુ અટકાવવા માટે સૌરભે અભિયાન શરુ કર્યુ છે. સૌરભનું આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અનેકવાર સૌરભે ગડબડ કરતી હોસ્પિટલ વિરુદ્ધ લડત છેડી હતી અને સરકાર સુધી ફરિયાદ પણ કરી હતી. જેને લઈને અનેક હોસ્પિટલ પર કાર્યવાહી પણ થઈ છે. સૌરભ કહે છે કે સમગ્ર દેશનો કોઈ પણ ભાગ હોય પણ અમારા ટીમ મેમ્બર્સ જરુરિયાતમંદોને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. શરુઆતમાં પરિવાર તરફથી પણ ઘણો વિરોધ સહન કરવો પડ્યો. પરિવારનું માનવું હતું કે વારંવાર લોહી આપવાથી શરીરમાં કમજોરી આવી જાય છે. મેં પરિવારની આ ભ્રામક માન્યતા તોડી અને પરિવારને વિશ્વાસ અપાવ્યો. 2014માં મારા પિતાને હાર્ટ એટેક આવ્યો અને બે યુનિટ લોહીની જરુર પડી હતી. તેમની સારવાર અમદાવાદમાં ચાલી રહી હતી. જેના માટે ચાર લોકોની જરુર હતી, પણ 40 લોકો મારા પિતાને લોહી આપવા તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ મારા માતા-પિતાને સમજમાં આવ્યું કે તેમનો દીકરો કંઈક સારુ કામ કરી રહ્યો છે. આ ઘટના પછી તેમણે મને સાથ આપવાનું શરુ કર્યુ.
સૌરભ 34 વર્ષની ઉંમરમાં અત્યાર સુધી કુલ 188 વાર રક્તદાન કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે આજની તારીખે આ વર્લ્ડ રેકોર્ડ છે. સૌરભ જણાવે છે કે 32 વર્ષ સુધીમાં તો તેમણે 100 વાર રક્તદાન કર્યુ હતું. આજે સાધના ફાઉન્ડેશનની સેલ્ફ ટીમમાં લગભગ 25000થી વધુ વ્યક્તિઓ સંકળાયેલ છે. જો સિસ્ટર કન્સર્ન ઓર્ગેનાઈઝેશનની વાત કરવામાં આવે તો સૌરભ 3700 ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલ છે. દેશભરમાં કુલ 7 લાખ લોકો સૌરભના અભિયાન સાથે જોડાયેલ છે.
સૌરભ કહે છે કે મને ગર્વ છે કે હું કાશીથી બિલોંગ કરું છું. મેં કાશીને અનેક જગ્યાએ રિપ્રેઝન્ટ કર્યુ છે. મને સેવાકાર્યો બદલ 26 રાજ્યોમાંથી અને રાષ્ટ્રીય સ્તરે 9 એવોર્ડ્સ મળી ચૂક્યા છે. આ ઉપરાંત ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ અને ઈન્ડિય બૂક ઓફ રેકોર્ડમાં બે વાર મારુ નામ સામેલ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને સ્વયં બે વાર આશીર્વાદ પત્ર મોકલ્યા છે. મને તાજેતરમાં જ એકેડેમિક કાઉન્સિલ ઓફ વોશિંગ્ટન તરફથી સામાજિક કાર્ય બદલ ડૉક્ટરેટની ડીગ્રી આપવામાં આવી રહી છે. આ ડીગ્રીનો એપ્રૂવલ લેટર મને મેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં કોઈને પણ લોહીની મદદની જરુર પડે તો 63934 07655 નંબર પર કોલ કરી શકાય છે. સૌરભે જેમની મદદ કરી છે તેઓ આજે મળે ત્યારે તેમનો આભાર માને છે. સૌરભના પ્રયત્નોથી અનેક લોકોનો જીવ બચ્યો છે. તેવા જ એક ગૌરવ સિંહ જણાવે છે કે તેમની માતાને ગયા વર્ષે ડેન્ગ્યુ રોગમાં પ્લેટલેટ્સની અછત થઈ હતી. દરેક જગ્યાએથી હાર્યા બાદ મેં સૌરભને ફોન કર્યો તેમણે તાત્કાલિક રકતદાન કરીને મારી માતાનું જીવન બચાવી લીધું. સૌરભના આ પ્રયત્નો અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે. પોતાના સિવાય બીજા માટે પણ જીવતા લોકોને હંમેશા યાદ કરવામાં આવે છે.