પુરી: દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ ઉજવવા આવી રહ્યો છે. આ અવસર પર તેમના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 72માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે, ઓડિશાના પુરી બીચ પર 1213 માટીના ચાના કપ સ્થાપન સાથે 5 ફૂટનું રેતીનું શિલ્પ બનાવ્યું છે. પટનાયકે 1213 માટીના ચાના કપ મૂકીને 'હેપ્પી બર્થ ડે મોદીજી' મેસેજ લખ્યો છે.
ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફરઃ આ સાથે, પીએમ મોદીની 5 ફૂટ ઊંચી રેતીની પ્રતિમા બનાવવામાં આવી છે. તેમણે શિલ્પ માટે લગભગ, 5 ટન રેતીનો ઉપયોગ કર્યો હતો. પટનાયકે પીએમ મોદીના દરેક જન્મદિવસ પર, અલગ-અલગ રેતીના શિલ્પો બનાવ્યા છે. સુદર્શને કહ્યું, 'અમે આ માટીના ચાના ગ્લાસનો ઉપયોગ પીએમ મોદીની ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફર બતાવવા માટે કર્યો છે. અહીં, હું મારી કલા દ્વારા પીએમને મારી શુભકામનાઓ પાઠવું છું. પદ્મશ્રી સુદર્શને વિશ્વભરમાં 60 થી વધુ આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ચેમ્પિયનશિપ અને ઉત્સવોમાં ભાગ લીધો છે અને દેશ માટે ઘણા પુરસ્કારો જીત્યા છે. તે હંમેશા પોતાની કળા દ્વારા સામાજિક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરે છે.