- કૃષિ કાયદાઓ રદ કરવા અને MSP પર ખરીદીને કાયદેસર કરવા ખેડૂતોનો મોરચો
- કિસાન મોરચા દ્વારા 25 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું
- 5 સપ્ટેમ્બરે યોજાનારી કિસાન મહાપંચાયતમાં થશે મોટી જાહેરાત
નવી દિલ્હી: કૃષિ કાયદાઓ રદ કરવા અને MSP પર ખરીદીને કાયદેસર બનાવવાની માંગ સાથે છેલ્લા નવ મહિનાથી દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા કિસાન મોરચાએ સિંઘુ સરહદ પર બે દિવસીય સંમેલન બાદ મોટી જાહેરાત કરી છે. મુઝફ્ફરનગરમાં 5 સપ્ટેમ્બરે યોજાનારી કિસાન મહાપંચાયતમાં કિસાન મોરચાએ પોતાનું પૂરું જોર લગાડવાની તૈયારી કરી છે. મુઝફ્ફરનગર ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું ગૃહ જિલ્લો છે અને આવી સ્થિતિમાં પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડના ખેડૂતોના જૂથને ભેગા કરવા માટે ટિકૈત વારંવાર મુલાકાત લે છે.
ફરી એક વખત સરકારને ચેતવણી
કિસાન મોરચા વતી મીડિયાને સંબોધતા અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી અતુલ અંજાનએ જણાવ્યું હતું કે, કિસાન મોરચા 5 મી સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરની ઐતિહાસિક રેલીથી તેના મિશન યુપીની જાહેરાત કરશે. મજબૂત વલણ દર્શાવતા ખેડૂત નેતાઓએ ફરી એક વખત સરકારને ચેતવણી આપી છે કે, તેણે વહેલી તકે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ, નહીંતર અરાજકતાનું વાતાવરણ ઉભું થઈ શકે છે.
25 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન
આ સિવાય 25 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન પણ કિસાન મોરચા દ્વારા આપવામાં આવ્યું છે. અતુલ અંજાનએ કહ્યું કે, આ ભારત બંધ આઝાદી પછી સૌથી મોટો બંધ સાબિત થશે. અતુલ અંજાનએ જણાવ્યું હતું કે, કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન દરમિયાન 650 થી વધુ ખેડૂતોના મોત થયા છે અને તેમના બલિદાનને એળે જવા દેવામાં આવશે નહીં.