- સમીર વાનખેડે તપાસ ટીમ સમક્ષ હાજર થયા
- 5 સભ્યોની તપાસ ટીમ આગળ આરોપો ફગાવ્યા
- કથિત ખંડણીના આરોપોના સંદર્ભમાં થઈ રહી છે તપાસ
મુંબઈ: NCB મુંબઈના રીજનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Vankhede) બુધવારે તપાસ ટીમ સમક્ષ હાજર થયા હતા. એજન્સીની 5 સભ્યોની ટીમ સમક્ષ હાજર થયા બાદ તેમણે કહ્યું કે, મારી સામેના તમામ આરોપો ખોટા છે.
સમીર વાનખેડેનું નિવેદન નોંધવાનું કામ શરૂ
આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) નોર્ધન ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (Deputy Director General of the Northern Zone) જ્ઞાનેશ્વર સિંહે બુધવારે જણાવ્યું હતું કે, વિભાગીય તકેદારી તપાસના ભાગરૂપે તેઓએ એજન્સીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેનું નિવેદન નોંધવાનું કામ શરૂ કર્યું છે. ક્રુઝ શિપ પર માદક દ્રવ્યો મળ્યા બાદ એક આરોપી પાસેથી કથિત ખંડણીના આરોપોના સંદર્ભમાં તપાસ કરવામાં આવી રહી છે.
વિજિલન્સ ટીમ મુંબઈ પહોંચી
DDG સિંહે મીડિયાને જણાવ્યું કે, 5 સભ્યોની વિજિલન્સ ટીમ બુધવાર સવારે મુંબઈ પહોંચી અને તેણે પોતાની તપાસ શરૂ કરી દીધી છે, જે હેઠળ દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત કાર્યાલયથી કેટલાક દસ્તાવેજો અને રેકોર્ડિંગ્સ એકત્ર કરવામાં આવ્યા છે. સિંહ વસૂલાત કેસમાં વિભાગીય તકેદારી તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે.
વિસ્તૃત જાણકારી આપવાની કહી દીધી ના
તેમણે કહ્યું છે કે, તપાસ દરમિયાન તમામ સાક્ષીઓને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે. હું કોઈ વ્યક્તિનું નામ નહીં લઉં. જો કે પત્રકારો દ્વારા પ્રશ્ન કરવામાં આવતા અધિકારીએ બાદમાં જણાવ્યું કે, વાનખેડેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. આ સંવેદનશીલ તપાસ છે અને વાસ્તવિક સમયમાં તપાસ સંબંધિત જાણકારી આપવી સંભવ નથી, અમે વિસ્તૃત જાણકારી નહીં આપી શકીએ.
સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે
NCBના મુંબઈ રીજનલ કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા સિંહે કહ્યું કે, "અમે અમારી તપાસ શરૂ કરી દીધી છે અને સાક્ષીઓને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે બોલાવી રહ્યા છીએ." તેમણે કહ્યું કે, અમે આ મામલે વાનખેડે અને અન્ય લોકો સાથે ચોક્કસપણે વાત કરીશું. જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, શું વાનખેડે ક્રુઝ જહાજમાંથી નાર્કોટિક્સ જપ્તીની તપાસ ચાલું રાખશે? તો સિંહે કહ્યું કે, તેઓ એ તપાસને લઇને કોઈ ટિપ્પણી કરવા ઇચ્છશે નહીં, કારણ કે તેઓ તેનાથી સીધી રીતે જોડાયેલા નથી. અધિકારીએ કહ્યું કે, તેઓ વિજિલન્સ તપાસ માટે મુંબઈ આવ્યા છે.
25 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી માંગણી?
NCBએ આ કેસમાં સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સેલના દાવા અંગે વિજિલન્સ તપાસનો આદેશ આપ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, NCBના મુંબઈ પ્રાદેશિક યુનિટના ડિરેક્ટર સમીર વાનખેડે સહિત એજન્સીના કેટલાક અધિકારીઓએ ક્રૂઝ શિપ રેડ કેસના આરોપી આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
NCB હેડક્વાર્ટર 2 કલાક સુધી રહ્યા વાનખેડે
જ્ઞાનેશ્વર સિંહ આ આરોપોની તપાસ કરશે. સિંહ ફેડરલ એન્ટી-ડ્રગ્સ એજન્સીના ચીફ વિજિલન્સ ઓફિસર (CVO) પણ છે. સિંહના આગમન પર, NCB ઓફિસની બહાર મીડિયા કર્મચારીઓનો જમાવડો હતો. વાનખેડે, જે ક્રુઝ શિપ પર ડ્રગ્સ જપ્ત કરવાની તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે, મંગળવારે દિલ્હીમાં NCB હેડક્વાર્ટર ગયા હતા અને ત્યાં બે કલાક વિતાવ્યા હતા.
આ પણ વાંચો: Drugs case: બોમ્બે હાઈકોર્ટમાં આજે આર્યન ખાનની જામીનની સુનાવણી, શું આજે મળશે જામીન?
આ પણ વાંચો: સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો