નવી દિલ્હીઃ આવતીકાલે વર્ષ 2023નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરુ થવા જઈ રહ્યો છે. આ નવો મહિનો કેટલાક ફેરફાર લઈને આવી રહ્યો છે. જેમાં યુપીઆઈ આઈડી, બેન્ક સેક્ટર, પેન્શન વગેરેને અસર કરતા ફેરફારો થવાના છે. આ ફેરફારોની સીધી અસર નાગરિકોના બજેટ અને પોકેટને થવાની છે.
ઈન એક્ટિવ યુપીઆઈ આઈડી બંધ થશેઃ અત્યારે લોકો યુપીઆઈ આઈડીને લીધે સરળતાથી મની ટ્રાન્ઝેક્શન કરી શકે છે. પેમેન્ટ રેગ્યુલેટરી બોડી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો. જેમાં થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને 1 વર્ષથી નિષ્ક્રિય રહેલ યુપીઆઈ આઈડીને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
લાઈફ સર્ટિફિકેટ રજૂ ન કરતા પેન્શનર્સનું પેન્શન બંધઃ નવેમ્બર મહિનો સમાપ્ત થવા પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શન લેતા કર્મચારીઓએ લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. જો સર્ટિફિકેટ રજૂ કરવામાં નહિ આવે તો પેન્શન બંધ કરવામાં આવશે. લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવા માટે 60થી 80 વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓને નવેમ્બર મહિનાનો તેમજ 80થી વધુ વર્ષના વયના નિવૃત્ત કર્મચારીઓને ઓક્ટોબર અને નવેમ્બર એમ બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
રિઝર્વ બેન્ક દંડ કરશેઃ બેન્કિંગ સેક્ટરમાં એક ડિસેમ્બરથી નવો નિયમ અમલી થશે. જેમાં આખી લોન ભરપાઈ કરી દીધા બાદ જમા રાખેલા ડોક્યુમેન્ટ્સ બેન્કે સમયસર પરત કરવા પડશે. જો બેન્ક આ ડોક્યુમેન્ટ્સ સમયસર જમા નહી કરે તો રિઝર્વ બેન્ક આ લોન આપનાર બેન્કને દંડ ફટકારશે. આ દંડ પાંચ હજાર રુપિયા પ્રતિ મહિનાના હિસાબથી કરવામાં આવશે.
આધાર અપડેટઃ યુનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર જો છેલ્લા 10 વર્ષોથી આધારની વિગતો અપડેટ ન કરેલ હોય તો 14 ડિસેમ્બર 2023 સુધી અપડેટ કરાવી લેવી. સંસ્થા તરફથી આધાર સંબંધી ફ્રોડથી બચવા માટે આ અપડેટ કરાવી લેવા નાગરિકોને આગ્રહ કરવામાં આવ્યો છે.