નવી દિલ્હી: લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રૂઝ એવન્યુ કોર્ટે બુધવારે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને રૂપિયા 50 હજારના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. બુધવારે તેજસ્વી યાદવ, લાલુ યાદવ અને રાબડી દેવી જામીન મેળવવા માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. લાલુ પરિવાર સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલની કોર્ટમાં હાજર રહ્યા હતા. આગામી સુનાવણી તારીખ 16 ઓક્ટોબરના થશે.
કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી: તારીખ 22 સપ્ટેમ્બરના રોજ સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે તેને આ કેસમાં આરોપી ત્રણ પૂર્વ રેલવે અધિકારીઓ સામે કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મળી છે. આ પહેલા 12 સપ્ટેમ્બરના રોજ તપાસ એજન્સીએ કોર્ટને પૂર્વ કેન્દ્રીય રેલ પ્રધાન લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવાની જાણકારી આપી હતી. તારીખ 3 જુલાઈના રોજ દાખલ કરાયેલી બીજી પૂરક ચાર્જશીટમાં સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પશ્ચિમ મધ્ય રેલવે (WCR)ના તત્કાલીન જીએમ, બે સીપીઓ સહિત 17 લોકોને આરોપી બનાવ્યા છે.
ગ્રુપ ડી ભરતી સાથે સંબંધિત: આ કેસમાં બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં પ્રથમ વખત તેજસ્વીનું નામ સામે આવ્યું હતું. આ સમગ્ર મામલો પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા 2004 થી 2009 દરમિયાન જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે મધ્યપ્રદેશના જબલપુરના પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કરવામાં આવેલી રેલ્વેની ગ્રુપ ડી ભરતી સાથે સંબંધિત છે. સીબીઆઈએ લાલુ યાદવ અને અન્ય આરોપીઓ પર ઉમેદવારો પાસેથી જમીન લઈને તેમને નોકરી આપવાનો આરોપ લગાવ્યો છે.