- ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટના
- ઘટનામાં અત્યાર સુધી 26ના મોત, 197 લાપતા
- તપોવન ટનલમાં રેસ્કયૂ આપરેશન ચાલુ
ચમોલી : આર્મી, SDRF, NDRF સહિત અનેક એજન્સીઓ તપોવન ટનલમાં કામ કરી રહી છે અને બચેલા લોકોને રાહત પહોંચાડી રહી છે. મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી હતી અને મંગળવારે સવારથી ફરી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
તપોવન ટનલમાં રેસ્કયૂ આપરેશન શરૂ
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યાની ઘટના બાદ હવે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટી મુશ્કેલી તપોવન ટનલમાં આવી રહી છે, જ્યાં લગભગ 37 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આ ટનલ કાદવથી ભરેલી છે, તેથી અંદર જવા માટે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. જોકે બચાવ ટીમ હજી પણ આ અભિયાનમાં વ્યસ્ત છે. ઉત્તરાખંડની ઘટનામાં અત્યાર સુધી 26 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 197 લોકો લાપતા છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે તપોવનમાં રાહત અને બચાવ કામગીરી અંગે આઇટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ, ઉત્તરાખંડ પોલીસ અને જોશીમઠની અન્ય એજન્સીઓ સાથે બેઠક યોજી હતી.
પશ્ચિમ બંગાળના પાંચ લોકો પણ લાપતા
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુરનો રહેવાસી 27 વર્ષિય સુદિપ ગુરિયા ઉત્તરાખંડના ચમોલીમાં કામ માટે ગયો હતો. ગયા વર્ષે માર્ચમાં, તે ત્યાં ઋષિ ગંગા વીજ પ્રોજેક્ટ પર કામ કરવા ગયો હતો. આ ઘટના બાદથી પરિવાર તેની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સુદીપ ગુરીયાની હજુ સુધી જાણકારી મળી નથી.મળતી માહિતી મુજબ,સુદીપે શનિવારે રાત્રે તેના પરિવાર સાથે છેલ્લી વાત કરી હતી. તેવી જ રીતે, અન્ય બે લોકો લાલુ જન અને બલ્લુ જન આ ઘટના બાદથી લાપતા છે.પશ્ચિમ બંગાળના પાંચ લોકો આ ઘટના બાદ લાપતા છે, તેમાંથી ત્રણ મહિષાદલ, પૂર્વી મેદિનીપુર અને અન્ય બે પુરૂલિયાના રહેવાસી છે.