નવી દિલ્હીઃ ગુરુવારે દિલ્હી સ્થિત કૉંગ્રેસ હેડક્વાર્ટરમાં મીડિયા સાથે અશોક ગેહલોતે વાતચીત કરી છે. અશોક ગેહલોતે આ પ્રસંગે મોદી સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે. ગેહલોતે કહ્યું કે મોદી સરકાર તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરીને વિપક્ષોનો અવાજ દબાવી રહી છે. વિપક્ષના નેતાઓને ડરાવવામાં આવી રહ્યા છે. જેના લીધે તપાસ એજન્સીઓની વિશ્વસનીયતા પણ ઘટી છે. તપાસ એજન્સીઓએ પોતાની ઈમેજ જાળવી રાખવા માટે પણ કોઈના દબાણમાં કામ કરવું જોઈએ નહીં.
અશોક ગેહલોતના વાકપ્રહારઃ સંજીવની કૌભાંડનો ઉલ્લેખ કરીને ગેહલોતે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવતને લપેટમાં લીધા હતા. આ મામલે કેન્દ્રીય પ્રધાન આરોપી છે અને એસઓજી આ મામલે તપાસ કરી રહી છે. ઘણીવાર એફઆઈયુએ તેમણે નાણાંકીય પ્રશ્નોત્તરી માટે બોલાવ્યા છે. તેઓ કદી ગયા જ નથી. ગજેન્દ્ર શેખાવતે મારા પર માનહાનિનો દાવો કર્યો છે. જો કે અમને તેનાથી કોઈ આપત્તિ નથી, કારણ કે અમે રાજ્યની જનતા માટે કામ કરી રહ્યા છીએ. રાજસ્થાનની જનતાને કૉંગ્રેસ પર પૂરો ભરોસો છે. રાજસ્થાનની જનતા માટે કૉંગ્રેસે અનેક વિકાસકાર્યો હાથ ધર્યા છે.
મણિપુર મુદ્દે જનતા ફેંસલો કરશેઃ મણિપુર હિંસા પર કોઈનું ધ્યાન નથી. સાંસદ અને વિપક્ષનો અવાજ પણ દબાવી દેવામાં આવે છે. દેશની જનતા આ જોઈ રહી છે. હવે જનતા જ ફેંસલો કરશે. છેલ્લા કેટલાક મહિનાથી મણિપુર સળગી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર આ બાબતે કોઈ નક્કર પગલા ભરતી નથી. મણિપુરની હિંસાને નજરઅંદાજ કરી શકાય નહીં. અહીં સરકારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ધ્યાન આપવું જોઈએ.