અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ 19-20 જુલાઈએ ભારે વરસાદ પડવાની આશંકા છે. આગામી 24 કલાક દરમિયાન ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂર્વોત્તરમાં ગાજવીજ સાથે વરસાદ: આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ તથા આગામી બે દિવસ દરમિયાન હરિયાણા-ચંદીગઢમાં આ પ્રકારના હવામાનની સ્થિતિ બની રહેવાની શક્યતા છે. પૂર્વોત્તરમાં પણ અલગ-અલગ સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અરૂણાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી ચાર દિવસ દરમિયાન અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ભારતમાં વરસાદ: 20 જુલાઈએ સમુદ્રી કર્ણાટકમાં હળવો તથા છુટોછવાયો વરસાદ પડી શકે છે. 17થી 20 જુલાઈ દરમિયાન તેલંગણામાં, જ્યારે 18થી 20 જુલાઈ દરમિયાન આંધ્ર તથા કેરલના સમુદ્રી વિસ્તારમાં વરસાદ પડશે.
ક્યા કેવો વરસાદ: હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવી સિસ્ટમ રાજસ્થાનથી આગળ વધીને અત્યાર સુધી ઉત્તર ગુજરાતની અસર કરતી હતી, પરંતુ હવે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોનો પણ સમાવેશ થયો છે. રાજસ્થાનના લો પ્રેસરની અસર અત્યાર સુધી ઉત્તર ગુજરાત પૂરતી મર્યાદિત હતી, તે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સુધી લંબાઈ છે. જેથી અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યા એ હળવોથી મધ્યમ વરસાદ પડશે.
ગુજરાતમાં કેટલો વરસાદ: રાજ્યમાં ચોમાસુ શરૂ થતાં સિઝનનો હાલ સુધી 60 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. વળી ફરીથી ગુજરાતમાં ત્રીજા રાઉન્ડમાં વરસાદની તૈયારી છે, ત્યારે આગામી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. 18 જુલાઈથી ગુજરાતમાં વરસાદની ત્રીજી ઇનિંગ શરૂ થશે. જેને પગલે હાલ 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે. ચોમાસાના ત્રીજા રાઉન્ડ માટેની આગાહી સાથે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અમદાવાદમાં વરસાદની શક્યતા છે.