નવી દિલ્હીઃ રાજધાનીમાં આવેલા નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરી(NMML)નું નામ બદલીને પ્રાઈમ મિનિસ્ટર્સ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી (PMML) કરવાનો વિવાદ વકરતો જ જાય છે. વધતા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નહેરૂ નામને બદલે પોતાના સમયમાં કરેલા તેમના કાર્યોથી વધુ ઓળખાય છે. લદાખના બે દિવસીય પ્રવાસ પર જતી વખતે દિલ્હી એરપોર્ટ પર તેમને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે નહેરૂ પોતાના નામને બદલે કામથી વધુ પ્રખ્યાત છે.
જયરામ રમેશની પ્રતિક્રિયાઃ નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરી(NMML)નું નામ બદલીને પ્રાઈમ મિનિસ્ટર્સ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી (PMML) કરવા મુદ્દે ભાજપ અને વિપક્ષો વચ્ચે વાકપ્રહારો થતા રહે છે. નામ પરિવર્તનના મુદ્દે જયરામ રમેશ કહે છે કે, વડાપ્રધાન મોદી દેશની સ્વતંત્રતામાં નહેરૂએ આપેલા મહાન યોગદાનને કદી મીટાવી નહીં શકે.
વડાપ્રધાનના એજન્ડા પર વાકપ્રહારઃ એક પ્રતિષ્ઠિત સંસ્થાને એક નવું નામ મળી ગયું છે.નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરી(NMML) હવે પ્રાઈમ મિનિસ્ટર્સ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી (PMML) બન્યું છે. આગળ લખ્યું કે વડાપ્રધાન મોદી પાસે ડર, જટીલતા અને અસુરક્ષાનું મોટું બંડલ છે. ખાસ કરીને આપણા પહેલા અને લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા જવાહરલાલ નહેરૂની બાબતે વડાપ્રધાન આવું કરે છે. વડાપ્રધાન મોદીનો એજન્ડા નહેરૂ અને નહેરૂવાદી પરંપરાને ટાળવા, વિકૃત કરવા, બદનામ કરવા અને નાશ કરવાનો છે.
સંગ્રહાલય નેહરૂને સમર્પિતઃ કેન્દ્ર સરકારે સોમવારે નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરી(NMML)નું નામ બદલીને પ્રાઈમ મિનિસ્ટર્સ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી (PMML) કરવામાં આવ્યું છે.PMMLના કાર્યકારી પરિષદના ઉપાધ્યક્ષ એ. સૂર્ય પ્રકાશે બુધવારે કહ્યું કે સંગ્રહાલય રાષ્ટ્ર પ્રત્યે નહેરૂના યોગદાન અને ઉપલબ્ધિઓને પ્રદર્શિત કરે છે. જે લોકોને જરા પણ શંકા હોય તે લોકોએ સંગ્રહાલયની મુલાકાત કરવી જોઈએ.