પંજાબ : સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પંજાબ પોલીસે કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાડની સાથે જોડાયેલા ગેંગસ્ટરોને પકડવા માટે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આજે સવારે લગભગ 7 વાગ્યાથી પંજાબના તમામ જિલ્લાઓમાં વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સહિત પોલીસ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ગોલ્ડી બરાડ પ્રસિદ્ધ સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે.
કોણ છે ગેંગસ્ટર ગોલ્ડી ? ગત વર્ષે 29 મેના રોજ સિદ્ધુ મૂઝવાલા તરીકે જાણીતા શુભદીપ સિંહ સિદ્ધુની માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સતીંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. તે 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવ્યો હતો. ગોલ્ડી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. NIAએ દેશમાં આતંકવાદી-ગેંગસ્ટર નેટવર્કને ખતમ કરવા માટે ગયા વર્ષે નોંધાયેલા બે કેસની તપાસમાં વોન્ટેડ 54 વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ સાથે બે યાદીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. એક યાદીમાં 11 વ્યક્તિઓના નામ છે અને બીજી યાદીમાં 43 વ્યક્તિઓના નામ છે. આ યાદીમાં ગોલ્ડી બરાડ, લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ ગિલ સહિત ઘણા વોન્ટેડ ગેંગસ્ટરનો સમાવેશ થાય છે.
વોન્ટેડ લીસ્ટ : અગાઉ ખાલિસ્તાની આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવતા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના (BKI) પાંચ સભ્યોની માહિતી આપનાર માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી. જેમાં હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંદા અને લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંડાનો સમાવેશ થાય છે. NIA એ રિંદા અને લાંડા માટે 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ઉપરાંત પરમિંદર સિંહ ખૈરા ઉર્ફે પટ્ટુ, સતનામ સિંહ ઉર્ફે સતબીર સિંહ અને યાદવિંદર સિંહ ઉર્ફે યાદ્દા પર 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું.
આતંકવાદી સંગઠન BKI : રાષ્ટ્રીય તપાસ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પાંચ આતંકવાદીઓ ભારતની શાંતિ અને સાંપ્રદાયિક સદભાવને ખલેલ પહોંચાડવા અને પંજાબમાં આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે BKIની આતંકવાદી પ્રવૃત્તિ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં વોન્ટેડ છે. આ કેસ આ વર્ષની શરૂઆતમાં નોંધવામાં આવ્યો હતો. વોન્ટેડ આતંકવાદીઓ પર પંજાબમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન BKI માટે ફંડ એકઠું કરવામાં સહયોગ કરવાનો આરોપ છે. જેના માટે તે ડ્રગ્સની હેરાફેરી અને ઉદ્યોગપતિઓ સહિત અન્ય અગ્રણી વ્યક્તિઓ પાસેથી મોટા પાયે ગેરવસૂલી કરી આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો આરોપ છે.
વોન્ટેડ પર 10 લાખનું ઈનામ : પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પાંચ આતંકવાદીઓ નાણાકીય લાભનો વાયદો આપીને BKI માટે નવા સભ્યોની ભરતી કરવામાં સહયોગ કરે છે. તેઓએ ભારતના વિવિધ ભાગોમાં તેમની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે વિવિધ દેશોમાં તેમના સાગરીતોનું નેટવર્ક પણ સ્થાપિત કર્યું છે. મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી રિંદા આતંકવાદી યાદીમાં સામેલ છે અને BKIનો સભ્ય છે. તે પાકિસ્તાનમાં રહે છે. જ્યારે લાંડા, ખૈરા, સતનામ અને યાદવિંદર પંજાબના રહેવાસી છે. પાંચ વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ સંબંધિત કોઈપણ ચોક્કસ માહિતી નવી દિલ્હીમાં NIA મુખ્યાલય અથવા ચંદીગઢમાં NIA શાખા કચેરીમાં આપી શકાય છે.