ન્યુઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મહિનાના (Mann Ki Baat) છેલ્લા રવિવારે માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 87માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધતા દેશના હિત સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં તેમને ગુજરાતના માધવપુરના મેળાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની જનવિરોધી નીતિઓ સામે 28-29 માર્ચે હડતાળનું એલાન
માધવપુરના મેળાનો ઉલ્લેખ: મન કી બાતમાં મોદીએ માધવપુરના મેળાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પોરબંદર જિલ્લામાં થતો માધવપુરનો મેળો ભારતની વિવિધતા સાથે જોડાયેલો છે. આ મેળાનો સંબંધ પૂર્વ છેડા સાથે જોડાયેલો છે. આખરે આ કેવી રીતે શક્ય છે? વડાપ્રધાને કહ્યું કે, આનો જવાબ એક દંતકથામાં જોવા મળે છે, કહેવાય છે કે હજારો વર્ષો પહેલા ભગવાન કૃષ્ણના લગ્ન ઉત્તર પૂર્વની રાજકુમારી રુકમણી સાથે થયા હતા, આ લગ્ન માધવપુરમાં થયાં હતાં, આ લગ્નના પ્રતીકરૂપે માધવપુર મેળો ભરાય છે. આના પરથી એવું લાગે છે કે, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આપણો ઊંડો સંબંધ છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, જો તમને તક મળે તો આ મેળાની અવશ્ય મુલાકાત લો.
માધવપુર મેળાનો ઈતિહાસ: માધવપુરમાં અનેક પૌરાણિક મંદિરો, કુંડ, વાવ,તીર્થો અને પડ્યાંઓ આવેલા છે, જે કોઈને કોઈ રીતે શ્રી કૃષ્ણ એટલે કે, અહીંના માધવપ્રભુ સાથે જોડાયેલા છે. ભગવાન માધવવરાયનું આ સુંદર ધામ માધવપુર તરીકે ઓળખવામાં આવે છે. અહીનાં લોકોની માન્યતા પ્રમાણે ભગવાન માધવરાય અને રુકમણીના લગ્ન અહીં થયાં હતાં. કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ રુકમણીને હરણ કરીને અહીં લાવ્યાં હતાં. આજે પણ ભગવાન માધવવરાયનું મંદિર અહીં હયાત છે. માન્યતા પ્રમાણે હજારો વર્ષ પહેલા આ મંદિર દરિયાંમાંથી નીકળી આવેલું હતું. આ એક માત્ર એવું મંદિર છે જ્યાં બન્ને ભાઈ શ્રી કૃષ્ણ અને મોટા ભાઈ બલરામ સાથે બિરાજમાન છે.
આ પણ વાંચો: જામનગર પોલીસ જવાન પર હુમલો, જાણો વિગતવાર...
માધવ રુકમણીના લગ્ન: અહીં દર વર્ષે રામનવમીએ મેળો ભરાય છે, જેમાં માધવ રુકમણીના લગ્ન બધા જ રિતરિવાજ સાથે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સોપ્રથમ હોળીના પડવે માધવપ્રભુની કંકોત્રી લખવામાં આવે છે, અને સૌને સામૂહિક આમંત્રણ આપવામાં આવે છે. ચૈત્ર મહિનાના નોમના દિવસથી આ મેળો ચાલુ થાય છે અને તેરસના દિવસે પૂરો થાય છે. આ મેળાનો આનંદ લેવા લોકો દૂરદૂરથી આવતા હોય છે.