નવી દિલ્હી : મહિલા આરક્ષણ બિલ મામલે અલગ અલગ નેતાઓના નિવેદન અને પ્રતિભાવ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં મોટાભાગના લોકો દ્વારા આ બિલને સમર્થન મળી રહ્યું છે. ત્યારે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવા માટેનું બિલ રજૂ કર્યાના એક દિવસ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ અંગે પ્રતિભાવ આપ્યો છે. તેઓએ કહ્યું કે, આ લૈંગિક ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.
રાષ્ટ્રપતિનો પ્રતિભાવ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજ્ઞાન ભવનમાં એશિયા પેસિફિકની રાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓના દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં હતા. ત્યારબાદ સભાને સંબોધિત કરતા તેઓએ મહિલા અનામત બિલ અંગે પ્રતિભાવ આપ્યો હતો. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એશિયા પેસિફિક ફોરમ (APF) ના સહયોગથી 20-21 સપ્ટેમ્બરના રોજ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારત અને વિદેશના 1,300 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે તેવી શક્યતા છે.
પરિવર્તનકારી ક્રાંતિ : મહિલા આરક્ષણ બિલ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મહિલાઓ માટે લઘુત્તમ 33 ટકા અનામત સુનિશ્ચિત કર્યું છે. બીજો સુખદ સંયોગ એ છે કે, રાજ્યની વિધાનસભાઓ અને દેશની સંસદમાં મહિલાઓને અનામત આપવાનો પ્રસ્તાવ હવે આગળ વધ્યો છે. આ લૈંગિક ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે. ઉલ્લેખનિય છે કે, મહિલા આરક્ષણ બિલ મંગળવારે નવા સંસદ ભવનમાં રજૂ કરવામાં આવેલ પ્રથમ બિલ હતું.
રાષ્ટ્રીય માનવાધિકાર સંમેલન : આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓના વૈશ્વિક જોડાણના સચિવ અમીના બોયાચ, એપીએફના પ્રમુખ ડુ-હ્વાન સોંગ અને NHRC અધ્યક્ષ નિવૃત્ત જજ અરુણ કુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. NHRC એ અગાઉ કહ્યું હતું કે, APF સભ્ય દેશોના સમાન હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેની 28મી વાર્ષિક સામાન્ય સભા યોજશે. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિ, રાજ્ય માનવ અધિકાર પંચ અને દેશમાં માનવ અધિકારોના રક્ષણ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ દેશોના NHRI ના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.