પુંછ: જમ્મુ-કાશ્મીરના પુંછમાં ગુરુવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પુંછ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક શંકાસ્પદ લોકો અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. આ આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. સાથે જ સેનાએ શહીદ થયેલા જવાનોની ઓળખ કરીને તેમના નામ જાહેર કર્યા છે.
સર્ચ ઓપરેશન શરૂ: ઘટના બાદ સેનાએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓને શોધવા માટે સ્નિફર ડોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ આ વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ ખાસ કરીને બાટા-દોરિયા વિસ્તારના ગાઢ જંગલમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. રાજૌરી અને પૂંચના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે એલઓસી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાવચેતીના પગલા તરીકે ભીમ્બર ગલી-પુંછ રોડને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહનચાલકોને મેંધર થઈને પુંછ જવાની સલાહ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઘટનાસ્થળની મુલાકાત લેશે.
ભીમ્બર ગલીમાં સ્થળનું નિરીક્ષણ: તમને જણાવી દઈએ કે આજે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ પૂંચના ભીમ્બર ગલીમાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાએ પૂંચમાં શહીદ થયેલા પાંચ જવાનોના નામ જાહેર કર્યા છે. હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકૃષ્ણ સિંહ અને સિપાહી સેવક સિંહની ઓળખ શહીદ જવાનો તરીકે થઈ છે. આર્મી શોકગ્રસ્ત પરિવારો સાથે એકતામાં ઉભી છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ વિસ્તારમાં વિઝિબિલિટી ઓછી હતી અને ગ્રેનેડ હુમલાને કારણે સેનાની ટ્રકમાં આગ લાગી જવાની આશંકા છે.
આ પણ વાંચો Delhi Firing: દિલ્હીની સાકેત કોર્ટમાં ફાયરિંગ, સસ્પેન્ડેડ વકીલે મહિલા વકીલને 3 ગોળી મારી
શહીદોમાં ઓડિશાનો એક સૈનિક પણ સામેલ: તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ઓડિશાનો એક સૈનિક પણ સામેલ છે. ઓડિશાના જવાનની ઓળખ પુરી જિલ્લાના સખીગોપાલ નજીક અલ્ગુમારના વતની દેબાશીશ બિસ્વાલ તરીકે થઈ છે. ભારતીય સેનાએ દેવાશિષના ઘરે ફોન પર આ માહિતી આપી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો. દેવાશિષને ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સમાં ભરતી કરવામાં આવ્યો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ બિસ્વાલ અને માતાનું નામ મમતા બિસ્વાલ છે. દેબાશિષના પરિવારમાં તેની પત્ની સંગીતા અને સાત મહિનાની પુત્રી છે. તેણે 2021માં સંગીતા સાથે લગ્ન કર્યા.
આ પણ વાંચો Poonch Terror Attack: સેનાના વાહન પર આતંકી હુમલો, પાંચ જવાન શહીદ, સર્ચ ઓપરેશન શરૂ