- 'પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન' યોજનાની શરૂઆત
- ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ વારાણસીથી શરૂઆત કરી
- 20 વિભિન્ન વિકાસ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન
વારાણસી: ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી 'પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન' (AYUSHMAN BHARAT HEALTH INFRASTRUCTURE MISSION) યોજનાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે પોતાના સંસદીય ક્ષેત્ર માટે 5189 કરોડ રુપીયાથી વધુ 20 વિભિન્ન વિકાસ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
'પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન' યોજના માટે બજેટમાં 64,180 કરોડ રૂપીયાની જોગવાઇ
પાંચ વર્ષ સુધી ચાલનારી 'પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન' યોજના માટે બજેટમાં 64,180 કરોડ રૂપીયાની જોગવાઇ કરવામા આવી છે. જેની ઘોષણા 2021-22ના કેન્દ્રીય બજેટમાં કરવામા આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના અંતરીયાળ વિસ્તારમાં પ્રાથમીક, માધ્યમિક અને તૃતીયક દેખરેખ સ્વાસ્થ્ય પ્રણાલીની ક્ષમતા વિકસાવવાનો છે. આ યોજનામાં 17,788 ગ્રામીણ અને 11,024 શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોના વિકાસ માટે ટેકો પૂરો પાડવા અને તમામ જિલ્લાઓમાં સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ અને 11 રાજ્યોમાં 3,382 બ્લોક જાહેર આરોગ્ય એકમોની સ્થાપના, 'ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ' સ્થાપવામાં મદદ કરવાના લક્ષ્યોનો સમાવેશ થાય છે. 12 કેન્દ્રીય સંસ્થાઓમાં, રોગ નિયંત્રણ માટે રાષ્ટ્રીય કેન્દ્ર અને તેની પાંચ પ્રાદેશિક શાખાઓ અને 20 મહાનગર આરોગ્ય દેખરેખ એકમોને મજબૂત બનાવવું છે.
આ પણ વાંચો: 'માં અમૃતમ' અને 'આયુષ્માન કાર્ડ' ની કામગીરી બંધ, તાત્કાલિક શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત
સ્વસ્થ ભારત યોજના માટે ચાર પાયાની વ્યૂહરચના
કેન્દ્ર સરકારે સ્વસ્થ ભારત યોજના માટે ચાર પાયાની વ્યૂહરચના તૈયાર કરી છે, જેનો હેતુ રોગ નિવારણ અને આરોગ્ય સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં સ્વચ્છ ભારત અભિયાન, યોગ, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોની સમયસર સંભાળ અને સારવાર જેવા પગલાંનો સમાવેશ થાય છે. તેમજ સમાજના વંચિત વર્ગોને સસ્તી અને અસરકારક સારવાર પૂરી પાડવા અને આરોગ્યસંભાળ વ્યવસાયિકોની આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને ગુણવત્તામાં વધારો કરવાનો છે. અગાઉ, વડાપ્રધાને રાજ્યના સિદ્ધાર્થનગર જિલ્લામાં સ્થાનિક મેડિકલ કોલેજ અને અન્ય આઠ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં બોગસ આયુષ્માન કાર્ડ બનતા હોવાનું કૌભાંડ આવ્યું સામે