અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પૂર્વ આયોજિત કાર્યક્રમ અનુસાર અયોધ્યા પહોંચી ચૂક્યા છે. મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર રાજ્યપાલ આનંદી પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યાંથી તેઓ રેલવે સ્ટેશન ગયા. જો કે એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધીના માર્ગમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. રેલવે સ્ટેશન પર વડા પ્રધાને વંદે ભારત સહિત કુલ 8 ટ્રેનોને ફલેગ ઓફ કર્યુ.
વડા પ્રધાન મોદી એરપોર્ટથી 15 કિલોમીટર અંતર કાપીને રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ સમગ્ર માર્ગમાં ભવ્ય રોડ શો દરમિયાન વડા પ્રધાનનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન મોદી અયોધ્યામાં 11000 કરોડ રુપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. અયોધ્યા માટે આજે એક ઐતિહાસિક દિવસ છે.
પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં વડા પ્રધાનની એક મુલાકાતથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન વિના વડા પ્રધાન અચાનક જ કંધરપુર વિસ્તારના રાજઘાટ મહોલ્લામાં પહોંચી ગયા હતા. જ્યાં દલિતોની વસ્તી છે. આ સ્થળે વડા પ્રધાને ધનીરામ માંઝી નામક દલિત વ્યક્તિની મુલાકાત કરી. ભોજન લીધું. ધનીરામના કુટુંબને આશીર્વાદ આપ્યા. વડા પ્રધાને માંઝી કુટુંબને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પણ આપ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દલિત બાળકો સાથે ખાસ મુલાકાત રહી હતી. વડા પ્રધાને બાળકોને રમો છો કે નહીં તેમ પુછ્યું હતું. આ બાળકો પૈકી એક બાળક અયોધ્યા રામ મંદિરનું ચિત્ર દોરી લાવ્યો હતો. જેને વડા પ્રધાને ખૂબ જ ધ્યાનથી જોયું, માણ્યું અને 20માંથી 20 માર્ક્સ આપ્યા હતા. વડા પ્રધાને આ નોટમાં અને બાળકોના અન્ય કાગળોમાં ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધર્મપથથી થઈને લતા મંગેશ્કર ચોકતી અયોધ્યા ધામમાં દાખલ થયા. તેના બાદ તુલસી ઉદ્યાન બાબુ બાજાર પોસ્ટ ઓફિસ, હનુમાનગઢી ચોક, રામ જન્મભૂમિ માર્ગ, રામનગરથી અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. વડા પ્રધાનનું સમગ્ર અયોધ્યામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.