નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઇન્ડિયન મુજાહિદ્દીનના સહસ્થાપક યાસીન ભટકલ સામે રાજદ્રોહના કેસમાં આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકની કોર્ટે સ્વીકાર્યું કે વર્ષ 2012માં યાસીન ભટકલ અને મોહમ્મદ દાનિશ અન્સારી સહિત કુલ 11 લોકો ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાના ષડયંત્રમાં શામેલ હતાં. આ સાથે યાસીન ભટકલે આ ગુનાહિત કાવતરાને અંજામ આપવા માટે સમગ્ર તૈયારી અને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. ભટકલ અને દાનિશ આ ષડયંત્રનો અમલ કરવામાં આવેલી આતંકવાદી ગતિવિધિઓમાં શામેલ હતાં.
121 પાનાનો આદેશ : પોતાના આદેશમાં પટિયાલા કોર્ટે ભટકલ અને અન્ય 11 આરોપીઓને નામ આપ્યાં છે. તેમાં મોહમ્મદ આફતાબ આલમ, મોહમ્મદ દાનિશ અંસારી, ઈમરાન ખાન, સૈયદ મકબૂલ, મોહમ્મદ અહેમદ સિદ્દીબાપ્પા, અસાઉદુલ્લા અખ્તર, ઉઝૈર અહેમદ, હૈદર અલી, મોહમ્મદ તહસીન અખ્તર, ઝિયા ઉર રહેમાન. અને ઓબેદ ઉર રહેમાન વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) કાયદા અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો (IPC) અને કલમ 1860 (10 થી વધુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ગુનાઓ સંબંધિત) હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે.
સુરતમાં પરમાણુ વિસ્ફોટનું ષડયંત્ર : પટિયાલા કોર્ટે કહ્યું કે પુરાવા મુજબ ભટકલની ચેટમાં સુરતમાં પરમાણુ વિસ્ફોટના ષડયંત્રનો ખુલાસો થાય છે. જેહાદના નામે તેની પાસેથી જપ્ત કરવામાં આવેલી ડિજિટલ સામગ્રીમાં બિનમુસ્લિમોની હત્યાને ન્યાયી ઠેરવતા લેખો અને વિડિયો પણ પ્રસારિત કર્યા હોવાનું બહાર આવ્યું છે. મુસ્લિમોને ત્યાંથી બહાર કાઢી લેવાયા બાદ આ લોકો બોમ્બ વિસ્ફોટ કરીને ભારત સામે યુદ્ધ શરૂ કરવા માંગતા હતાં. ભટકલે આ કેસમાં માત્ર ષડયંત્ર રચ્યું હતું એટલું જ નહીં, બ્લાસ્ટ માટે આઈઇડી તૈયાર કરવામાં પણ મદદ કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Serial Blast Case: દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 આતંકવાદી
ત્રણ આરોપીને મુક્ત કર્યાં : આ સિવાય આ કેસમાં પટિયાલા કોર્ટે ત્રણ આરોપીને રાહત આપતાં આરોપોમાંથી મુક્ત કર્યા હતા. નિર્દોષ છૂટેલાઓમાં રાહત મંઝર ઈમામ, આરિઝ ખાન અને અબ્દુલ વાહિદ સિદ્દીબપ્પાનો સમાવેશ થાય છે. આપને જણાવીએ કે આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી છે. એજન્સીએ તપાસમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન સ્થિત સહયોગીઓ સાથે સ્લીપર સેલે ભારતમાં આચરવામાં આવતી આતંકવાદી ગતિવિધિઓમાં સંપૂર્ણ મદદ કરી છે.