નવી દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ એનડીએના સ્થાપક સભ્ય હતા. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સાથે તેમનો ખાસ સંબંધ હતો. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ અનેક પ્રસંગોએ તેમના સહયોગથી NDAને રાજકીય અડચણોમાંથી બચાવી હતી. 1996માં પહેલીવાર સંસદીય ચૂંટણી બાદ ભાજપ અને અકાલી દળએ હાથ મિલાવ્યા હતા. 1997માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળ સાથે મળીને લડ્યા હતા અને આ ગઠબંધન સત્તા સુધી પહોંચ્યું હતું. 1996માં એચડી દેવગૌડાએ પ્રકાશ સિંહ બાદલને તેમના જોડાણમાં જોડાવા વિનંતી કરી. પરંતુ ત્યાર બાદ બાદલે કહ્યું હતું કે અમે ભાજપ સાથે જઈ રહ્યા છીએ, જો કે અમે ક્યારેય કોંગ્રેસ સાથે ગઠબંધનમાં જઈ શકીએ નહીં.
ભાજપ સાથે હતો ખાસ નાતો : પ્રકાશ સિંહ બાદલ ઘણીવાર કહેતા હતા કે વાજપેયી અને અડવાણી સાથે તેમનો ખાસ સંબંધ છે. તેઓ કહેતા હતા કે ત્રણેય નેતાઓ એકબીજા માટે સંપૂર્ણ સન્માન ધરાવે છે. એક ઈન્ટરવ્યુમાં બાદલે કહ્યું હતું કે ભાજપ સાથે એસએડીનું ગઠબંધન માત્ર રાજકીય નથી, પરંતુ વિચારધારા પર આધારિત છે. તેમણે કહ્યું કે તમે તેને એક જ શરીરની બે આંખો માની શકો છો. બાદલે કહ્યું હતું કે અમારું ગઠબંધન માત્ર જીતનું ભાગીદાર નથી, પરંતુ હાર પછી પણ ટકી રહેવાનું છે. જો કે એ અલગ વાત છે કે બાદમાં અકાલી દળ એનડીએમાંથી બહાર નીકળી ગયું હતું. એગ્રીકલ્ચર બિલના મુદ્દે બંને પક્ષોના મત અલગ-અલગ હતા અને પછી તેઓ અલગ થઈ ગયા હતા.
મોદી કર્યા હતા ચરણ સ્પર્શ : વ્યક્તિગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ સિંહ બાદલ સાથે અંગત સંબંધો જાળવી રાખ્યા હતા. તે અવારનવાર તેમની તબિયત અંગે પૂછપરછ કરતા હતા. તેમના બોન્ડિંગનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે 26 એપ્રિલ 2019ના રોજ જ્યારે નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા ત્યારે તેમણે પ્રકાશ સિંહ બાદલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. બાદલ બીમાર હોવા છતાં વારાણસી પહોંચ્યા હતા. એ જ રીતે જ્યારે અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા ત્યારે પણ બાદલ ત્યાં હાજર હતા અને અમિત શાહે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.