કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમને ભારતમાં તૈયાર થયેલી ન્યૂમોકોકલ રસી વિશે વાત કરી, જે હાલમાં ફક્ત પાંચ રાજ્યો સુધી જ મર્યાદિત છે. તેમણે જણાવ્યું કે, આ રસી દેશભરમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. જેને પગલે દેશમાં વર્ષે 50,000 કરતાં વધુ બાળકો મોતના મુખમાં ધકેલાતાં બચી શકશે.
ન્યૂમોકોકલ રસી વિશે સંક્ષિપ્તમાં માહિતી
ન્યૂમોકોકલ બેક્ટેરિયા એટલે શું?: ન્યૂમોકોકસ એ નાનાં બાળકોમાં રક્તપ્રવાહના સંક્રમણ, ન્યૂમોનિયા, મેનિન્જાઇટિસ અને મિડલ ઇયર ઇન્ફેક્શન વગેરે જેવી તકલીફોનું સામાન્ય કારણ છે.
ઇન્ફેક્શનના પ્રકારોઃ સ્ટ્રેપ્ટોકોકસ ન્યૂમોનિયા બેક્ટેરિયા, અથવા તો ન્યૂમોકોકસ ઘણા પ્રકારની બિમારી નોતરી શકે છે. આ પૈકીની કેટલીક બિમારીઓ જીવલેણ નીવડી શકે છે.
તમે ન્યૂમોનિયા વિશે સાંભળ્યું હશે, જે ફેફસાંનું સંક્રમણ છે. ઘણા જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા, વાઇરસ અને ફૂગને કારણે ન્યૂમોનિયા થઇ શકે છે. ન્યૂમોકોકસ એ ગંભીર પ્રકારના ન્યૂમોનિયાનાં સૌથી સામાન્ય કારણો પૈકનું એક છે.
ન્યૂમોનિયા ઉપરાંત ન્યૂમોકોકસને કારણે અન્ય પ્રકારનાં સંક્રમણો પણ થઇ શકે છે, જેમકેઃ
કાનનું ઇન્ફેક્શન
સાઇનસ ઇન્ફેક્શન
મેનિન્જાઇટિસ (મસ્તિષ્ક અને કરોડ રજ્જૂને આવરી લેતી પેશીજાળનું સંક્રમણ)
બેક્ટેરેમિયા (રક્તપ્રવાહનું ઇન્ફેક્શન)
આ પૈકીનાં કેટલાંક સંક્રમણોને ડોક્ટરો “આક્રમક” (ઇન્વેઝિવ) ગણતા હોય છે. ઇન્વેઝિવ બિમારીનો અર્થ થાય છે કે, જંતુઓ સામાન્યપણે જીવાણુઓથી મુક્ત હોય, તેવા શરીરના જુદા-જુદા ભાગો પર આક્રમણ કરે છે. ઉદાહરણ તરીકે, ન્યૂમોકોકલ બેક્ટેરિયા રક્તપ્રવાહ પર આક્રમણ કરી શકે છે, વ્યક્તિ બેક્ટેરેમિયાનો શિકાર બની શકે છે અને મસ્તિષ્ક અને કરોડરજ્જૂને આવરી લેતા કોશો અને પ્રવાહી પર આક્રમણ કરે છે, જેના કારણે વ્યક્તિ મેનિન્જાઇટિસનો શિકાર બને છે. જ્યારે આમ થાય, ત્યારે સામાન્યપણે બિમારી ઘણી ગંભીર હોય છે, વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અને કેટલાક કિસ્સામાં દર્દી મૃત્યુ પણ પામે છે.
ન્યૂમોકોકલ રસી એટલે શું?
PCV એ ન્યૂમોકોકસ બેક્ટેરિયાને કારણે થતા ન્યૂમોનિયા, મેનિન્જાઇટિસ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટેની સૌથી સલામત અને અસરકારક પદ્ધતિ છે. આ રસી બાળકોને તેમના જન્મ બાદના 6 સપ્તાહે, 14 સપ્તાહે અને 9 મહિને (બૂસ્ટર ડોઝ) આપી શકાય છે.
આ રસી ખર્ચાળ છે અને તે ભારતમાં ખાનગી બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ આ રસીની જેને સૌથી વધુ આવશ્યકતા છે, તેવા જરૂરિયાતમંદ બાળકોને તે મળી શકતી નથી.
આવાં બાળકોમાં અંતરિયાળ પ્રદેશોમાં જન્મેલાં બાળકો તથા જેમના પરિવારો પાસે માહિતી ઉપલબ્ધ ન હોય, તેવાં બાળકો તેમજ આવી અત્યંત જરૂરી છતાં ખર્ચાળ રસી પરવડી ન શકે, તેવાં બાળકોનો સમાવેશ થાય છે.
જુદાં જુદાં પાંચ રાજ્યોમાં ન્યૂમોકોકલ રસી
ન્યૂમોકોકલ કન્જુગેટ વેક્સિન (PCV) બિહાર, ઉત્તર પ્રદેશના ઓળખ કરાયેલા જિલ્લાઓ અને સમગ્ર હિમાચલ પ્રદેશમાં તબક્કાવાર રીતે 2017થી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (યુનિવર્સલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ) હેઠળ શરૂ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં આ કાર્યક્રમનું વિસ્તરણ કરીને તેમાં મધ્ય પ્રદેશ, બિહારના બાકીના જિલ્લાઓ, ઉત્તર પ્રદેશના નવા છ જિલ્લાઓ તથા રાજસ્થાનના નવ જિલ્લાઓને સામેલ કરવામાં આવ્યા છે.