ચંદીગઢ: પંજાબના પઠાણકોટ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હોવાની વિગતો મળી રહી છે. બીએસએફના એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. જેમાં તેમણે જાણકારી આપતા જણાવ્યું કે, BSF જવાનોએ પઠાણકોટના સિમ્બલ સકોલ ગામ પાસે લગભગ 12.30 વાગે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી.
"દાણચોરો પાસેથી 84 કરોડ રૂપિયા (અંદાજે)નું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સ ડ્રોન દ્વારા પણ સપ્લાય કરવામાં આવે છે. શસ્ત્રો અને ડ્રગ્સ રાત્રે ડ્રોન દ્વારા મોકલવામાં આવે છે. જો કે, પોલીસનું કહેવું છે કે આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવે છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવી ઘટનાઓ વધુ જોવા મળે છે-- ગૌરવ યાદવ (પોલીસ મહાનિર્દેશક)
દળોએ ગોળીબાર કર્યો: વધુ માહિતી સાથે તેમણે જણાવ્યું કે BSF જવાનોએ ઘુસણખોરને રોકવા માટે કહ્યું, પરંતુ તે રાજી ન થયો અને તેણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે ખતરો અનુભવીને, દળોએ ગોળીબાર કર્યો, જેમાં ઘુસણખોરને સ્થળ પર જ માર્યો ગયો. આ પહેલા તારીખ 11 ઓગસ્ટે BSFની કાર્યવાહીમાં તરનતારન જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો હતો.તમને જણાવી દઈએ કે સરહદ પારથી ભારતમાં આતંક ફેલાવવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવે છે. અલગ-અલગ રીતે દેશને બરબાદ કરવાના પ્રયાસો થાય છે. દાણચોરી દ્વારા ડ્રગ્સ મોકલવામાં આવે છે. તાજેતરમાં પંજાબના અમૃતસર જિલ્લામાં પોલીસે ત્રણ લોકો પાસેથી 12 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ સરહદ પારથી લાવવામાં આવ્યું હતું.