હૈદરાબાદ: બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હવે ડૂબવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે હજારો કન્ટેનર બંદરો પર અટવાઈ પડ્યા છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો: પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અફવાને કારણે શનિવારે દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી ગઈ હતી. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા સમાચાર મુજબ, 1 ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 45 થી 80 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. પેટ્રોલ પંપ પર કતારમાં ઉભેલા વ્યક્તિએ જણાવ્યું કે, અમે સોશિયલ મીડિયા પર એક અહેવાલ જોયો કે ડોલરની કિંમત અને આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમની કિંમતોમાં વધારો થવાને કારણે તેલની કિંમતો વધશે.
નાણાં મંત્રાલયને પ્રસ્તાવ મોકલાય: આવી જ સ્થિતિ અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. જિયો ન્યૂઝે જણાવ્યું હતું કે ગુજરાનવાલામાં માત્ર 20 ટકા પંપ પર પેટ્રોલ ઉપલબ્ધ હતું, જ્યારે રહીમ યાર ખાન, બહાવલપુર, સિયાલકોટ અને ફૈસલાબાદમાં પણ ભારે અછત નોંધાઈ હતી. જો કે, એક અધિકારીએ ડૉનને જણાવ્યું કે અફવાઓ પાયાવિહોણી છે અને લોકોને તેમને ગંભીરતાથી ન લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આગામી બે સપ્તાહ સુધી કિંમતોમાં કોઈ ફેરફાર કરવાની કોઈ તૈયારી નથી. અધિકારીના જણાવ્યા અનુસાર, વર્તમાન નિયમો અનુસાર, પહેલા OGRA આ માટે પેટ્રોલિયમ વિભાગને પ્રસ્તાવ મોકલે છે, આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવે છે. અમે હજુ સુધી કોઈ ડ્રાફ્ટ તૈયાર કર્યો નથી. તેમણે કહ્યું કે જો રૂપિયાના અવમૂલ્યન અને આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોની અસર જોવામાં આવે તો તે 15 ફેબ્રુઆરીથી શરૂ થતા પખવાડિયાની ગણતરીમાં જોવા મળશે.
આ પણ વાંચો: Firing on Naba das: ઓડિશાના આરોગ્ય પ્રધાનને પોલીસ અધિકારીએ ગોળી મારતા મૃત્યુ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખતરનાક બની ગઈ છે, જેના કારણે એક અમેરિકન ડૉલરની કિંમત 250 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે. પાકિસ્તાન પહેલાથી જ ઊંચી મોંઘવારી અને રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં પહેલા પૂર અને હવે આર્થિક સંકટના કારણે પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે. તેની સ્થિતિ શ્રીલંકા જેવી થઈ ગઈ છે.
ડિફોલ્ટના જોખમનો સામનો: દેશમાં મોંઘવારી 25 ટકાની નજીક છે અને લોકો લોટ, દાળ, ચોખાથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધી પહોંચથી દૂર થઈ રહ્યા છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 4.1 અબજ ડોલર થઈ ગયો છે. આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં અસમર્થ પાકિસ્તાનમાં આર્થિક સંકટની સાથે સાથે વીજળીનું સંકટ પણ વધુ ઘેરી બન્યું છે. આટલું જ નહીં, પાકિસ્તાની બંદરો પર વિદેશી કન્ટેનર ઠલવાય છે, પરંતુ ત્યાં ચૂકવણી કરવા માટે પૈસા નથી. એકંદરે પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ ડિફોલ્ટના જોખમનો સામનો કરી રહ્યું છે.