- મહારાષ્ટ્ર સરકારને લઇને સંસદમાં હંગામો
- રાજ્યસભામાં પ્રકાશ જાવડેકરનું મોટું નિવેદન
- 'મહારાષ્ટ્રના ગૃહપ્રધાન વસૂલી કરી રહ્યાં છે અને તે આખો દેશ જોઇ રહ્યો છે'
નવી દિલ્હીઃ રાજ્યસભામાં મહારાષ્ટ્ર સરકારને લઇને ભારે હંગામો જોવા મળ્યો હતો. સોમવારે સંસદના બંને સદનમાં ખૂબ હંગામો થયો હતો. 'મહારાષ્ટ્રના ગૃહપ્રધાન વસૂલી કરી રહ્યાં છે અને તે આખો દેશ જોઇ રહ્યો છે' તેવું નિવેદન કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં આપ્યું હતું. જોકે બબાલ બાદ સદનના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે કશું પણ રેકોર્ડ પર નહીં લેવાય. ભારે હંગામાને પગલે રાજ્યસભાને બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના રાજીનામાંની માગણી
ફક્ત રાજ્યસભા જ નહીં, લોકસભામાં પણ આ મામલે બબાલ મચી હતી. ભારતીય જનતા પક્ષના સાંસદ રાકેશસિંહે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને તરત જ પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઇએ અને કેન્દ્રીય એજન્સીઓએ આ મામલાની તપાસ કરવી જોઇએ. રાકેશસિંહે સંસદમાં જણાવ્યું હતું કે આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઇ APIના સમર્થનમાં મુખ્યપ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરી હોય. એ જ APIનો સો કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. લોકસભામાં શિવસેનાના વિનાયક રાઉતે પલટવાર કરતાં કહ્યું કે મહારાષ્ટ્રની સરકારને પાડવાની કોશિશ લાંબા સમયથી ચાલી રહી છે. પરમવીરસિંહની વિરુદ્ધ આરોપ લાગ્યાં છે તેની તપાસ થઇ રહી છે.
આ પણ વાંચોઃ શરદ પવાર સાથે મુલાકાત બાદ જયંત પાટીલે કહ્યું, દેશમુખના રાજીનામાની જરૂર નથી
પરમવીરસિંહે સંભાળ્યું નવું કામકાજ
એકતરફ મહારાષ્ટ્રને લઇને દેશની સંસદમાં હંગામો થઇ રહ્યો છે તો બીજીતરફ મહારાષ્ટ્રમાં પણ હલચલ મચી છે. સોમવાર સવારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીરસિંહ પોતાના નવા દફતરમાં પહોંચ્યાં હતાં. પરમવીરસિંહને હવે ડીજી હોમગાર્ડનું કામકાજ સોંપવામાં આવ્યું છે. સોમવાર સવારે તેમણે પોતાનું નવું કામકાજ સંભાળી લીધું હતું. જોકે આ દરમિયાન તેમણે કોઇ મુદ્દો ઉઠાવ્યો નથી અને મીડિયાના સવાલો સામે ચૂપકીદી સેવી લીધી હતી. સોમવારે સવારે પણ મુંબઈમાં ઘણી હલચલ જોવા મળી હતી. ગૃહપ્રધાન અનિલ દેશમુખે સવારે એટીએસ ચીફ જયજિતસિંહની મુલાકાત લીધી હતી. એક જાણકારી મુજબ એટીએસ ચીફે પૂરા મામલા અંગે ગૃહપ્રધાનને માહિતી આપી હતી.