લુધિયાણાઃ પંજાબમાં 1 નવેમ્બરે એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં 'મેં પંજાબ બોલદા' નામક ઓપન ડિબેટ થવાની છે. આ ડિબેટની ગંભીરતા સમજીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. સરકારી સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળો પર સઘન તપાસ વ્યવસ્થા થઈ રહી છે. લુધિયાણા પોલીસ મહેમાનો જે સ્થળે રહેવાના છે તે સ્થળોની તપાસમાં કોઈ કચાશ રાખવા માંગતી નથી.
1000 પોલીસ ખડકી દેવાઈઃ સૂત્રો અનુસાર ડિબેટ પ્લેસ તરીકે પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટી નક્કી કરવામાં આવી છે. જેની સુરક્ષાને લઈને સમગ્ર યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે કે ડિબેટ પ્લેસની સુરક્ષામાં કુલ 1000 પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. એસએસપી, ડીઆઈજી અને વર્તમાન ડીજી પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. આ ડિબેટ વખતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દરેક વાહનની તપાસ કરી રહી છે. આ ઉપરાંત અતિ સંવેદશશીલ સ્થળોને પોલીસ હાઈટેક ટૂલ્સની મદદથી સેનિટાઈઝ પણ કરી રહી છે.
વિપક્ષ નેતાના વાકપ્રહારઃ પંજાબ વિપક્ષ નેતા પ્રતાપ સિંહ બાજવાએ 1 નવેમ્બરે થનારી ડિબેટમાં નિષ્પક્ષ સંચાલન પર શંકા જાહેર કરી છે. બાજવા જણાવે છે કે પંજાબના મુખ્ય પ્રધાને ડિબેટ પ્લેસ પંજાબ એગ્રિકલ્ચર યુનિવિર્સિટીને પોલીસ છાવણીમાં ફેરવી કાઢ્યું છે. બાજવા ઉમેરે છે કે આ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થામાં 1000 પોલીસ જવાનો જોડાયા છે. બાજવા કહે છે કે હું મારી સિક્યુરિટી વિના જ આ ઓપન ડિબેટમાં ભાગ લઈશ, કારણ કે આ ડિબેટમાં પંજાબના હિત વિષયક ચર્ચા થવાની છે. પંજાબના બીજેપી અધ્યક્ષે હાઈ સિક્યુરિટીના વિસ્તારને લઈને પણ વાકપ્રહાર કર્યા હતા.
સર્વદળીય બેઠક બોલાવાની માંગઃ પ્રતાપ સિંહ બાજવાએ આ ઓપન ડિબેટની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે માટે મુખ્ય પ્રધાન માનને સર્વદળીય બેઠક યોજવા જણાવ્યું હતું. બાજવાએ ઉમેર્યુ કે તેઓ પંજાબ કૉંગ્રેસ અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વારિંગ ઓપન ડિબેટમાં ભાગ લેવા તૈયાર છીએ, પણ મુખ્ય પ્રધાને પહેલા ડિબેટના વિષય, સમય સારણી, મોડરેટર, જ્યૂરી સભ્યો સહિતની બારીક બાબતો પર કામ કરવું જોઈએ. સાથે જ તેમણે ચંદીગઢમાં દરેક દળોના નેતાઓ સાથે ચર્ચા કરી, તેમને વિશ્વાસમાં લઈને આ ડિબેટને દર્શકો સુધી લઈ જવી જોઈએ.