- જમ્મુ-કાશ્મીરમાં 8 તબક્કામાં યોજાશે DDC ચૂંટણી
- ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પાકિસ્તાની
- આ પાકિસ્તાની મહિલા પૂર્વ આતંકવાદીની પત્ની છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કુપવાડા જિલ્લાથી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી લડી રહેલા 11 ઉમેદવારોમાંથી એક પાકિસ્તાની મહિલા છે. જેના લગ્ન કાશ્મીરના એક પૂર્વ આતંકવાદી સાથે થયા હતા. લાઈન ઓફ કન્ટ્રોલની સામે રહેતી સોમાયા સદ એ પહેલી મહિલા છે, જે કેન્દ્રશાસિત પ્રદેશના આ ઉત્તરી ક્ષેત્રમાં ચૂંટણી લડી રહી છે. સોમાયા પહેલી મહિલા છે જે ડ્રેગમુલ્લા ચૂંટણી ક્ષેત્રથી ચૂંટણી લડી રહી છે. આ બેઠક સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે. સોમાયા સહિત કુલ 11 મહિલા ઉમેદવાર આ બેઠકથી ચૂંટણી લડી રહી છે. પીઓકેના મુઝફ્ફરાબાદની રહેવાસી સોમાયાએ 2002માં કુપવાડાના અબ્દુલ મજીદ ભટ સાથે લગ્ન કર્યા હતા. ભટ 1990માં પાકિસ્તા જતો રહ્યો હતો. આ દંપતીના ચાર બાળક પણ છે. આતંકવાદીઓ અને તેમના પરિવારો માટે સરકારની પુનર્વાસ નીતિ હેઠળ સોમાયા 2010માં નેપાળના રસ્તાથી કાશ્મીર આવી હતી. અહીં આવ્યા બાદ તેણે પોતાના પતિ સાથે પોલ્ટ્રી ફાર્મ વ્યવસાય શરૂ કર્યો હતો. આ દંપતી ડેરી ફાર્મ પણ ચલાવે છે. મુઝફ્ફરાબાદથી સ્નાતકની શિક્ષા મેળવનારી સોમાયાએ કાશ્મીર આવ્યા બાદ ડિસ્ટન્સ લર્નિંગથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું હતું.
મહિલાઓનો અવાજ બનવા હું ચૂંટણી લડી રહી છુંઃ સોમાયા
પત્રકારો સાથે વાતચીત કરતા સોમાયાએ કહ્યું કે, ચૂંટણી લડવી એ તેનો પોતાનો નિર્ણય હતો. જ્યારે સ્થાનિક મહિલાઓએ પ્રોત્સાહન આપ્યું હતું. મારો સાચો ઉદ્દેશ મહિલાઓનો અવાજ બનવાનો છે. જેથી મહિલાઓ સ્વતંત્રતાથી જીવનનિર્વાહ કરી શકે. પાકિસ્તાનથી તેમના જેવી અનેક મહિલાઓ માટે તે કાશ્મીર આવી છે. સોમાયાએ અપીલ કરી છે કે, મહિલાઓએ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરવો જોઈએ અને લોકો વચ્ચે ગરીબી નાબૂદ કરવાની દિશામાં કામ કરવું જોઈએ. અમને પુનર્વાસ નીતિ હેઠળ અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ અમારી સાથે કરવામાં આવેલા વાયદાઓ પૂરા કરવામાં આવ્યા નથી.