- જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત
- કલમ 370 ફરી લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણી નહીં લડું: ઉમર
- જમ્મુ કાશ્મીરમાં જાહેર થયાં DDC ચૂંટણીના પરિણામ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. ચૂંટણીનાં પરિણામોની જાહેરાત બાદ ઇટીવી ભારતે જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી રાજ્યમાં કલમ 37૦ ફરીથી લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ચૂંટણી લડશે નહીં. જોકે તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખશે.
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, કલમ 37૦ની મોટાભાગની જોગવાઈઓ પરત ખેંચવાના વિરોધમાં કેન્દ્ર સરકારે રાજ્યની જનતાનો અવાજ સાંભળાવવો જોઈએ.
નેશનલ કોન્ફરન્સના હેડ કવાર્ટર ખાતે પાર્ટી કાર્યકરોને સંબોધિન કરતાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં, પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિકલેરેશનનું સમર્થન કરીને લોકોએ પોતાના વિચાર સ્પષ્ટ કર્યા છે. વધુમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, DDC ચૂંટણીના પરિણામ જોતાં તેેને નથી લાગતું કે, નજીકના ભવિષ્યમાં કેન્દ્ર સાશિત પ્રદેશમાં ચૂંટણી કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રદેશમાં સાત પાર્ટીના ગઠબંધન ગુપકારે DDC ચૂંટણીમાં 276માંથી 110 બેઠક જીતવામાં સફળતા મેળવી છે. જ્યારે ભાજપે એકલે હાથે 74 બેઠક જીતી સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાપિત થઈ છે.
અબ્દુલ્લાએ કહ્યું, 'જો તમે ખરેખર કહો છો કે લોકશાહી જીતી ગઈ છે, તો તમારે લોકોનો અવાજ સાંભળવો પડશે અને જમ્મુ-કાશ્મીરના લોકોએ કહ્યું છે કે તેઓ 5 ઓગસ્ટ, 2019 ના નિર્ણયને સ્વીકારતા નથી.
કેન્દ્ર સરકારે ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈ પાછી ખેંચી લીધી હતી. જે હેઠળ રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું.
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'અમે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે લોકશાહીની જીત થઈ છે. અમે ક્યારે કહ્યું કે અમે લોકશાહીમાં વિશ્વાસ નથી રાખતા. તે એક અલગ મુદ્દો છે કે તમે અમારે વિશ્વાસ કરતા નથી. અમે પહેલા દિવસથી જ કહીએ છીએ કે અમે અમારા હક માટે લડીશું પરંતુ ગેરકાયદે અને ગેરબંધારણીય રીતે નહીં. અમે રાજ્યનું વાતાવરણ બગાડવા માટે નથી પરંતુ તેને વધુ સારું બનાવવા માટે છીએ.