ભૂવનેશ્વરઃ ભૂવનેશ્વરના એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષાને સોલાર રીક્ષામાં ફેરવી નાંખી છે. રૂફટોપ પર સોલાર પેનલ મૂકીને રીક્ષામાં જોરદાર કહી શકાય એવું વાયરિંગ કર્યું છે. ખાસ વાત એ છે કે, આ સોલાર રીક્ષા ચાલું કંડિશનમાં છે અને એના થકી તે પોતાનું ગુજરાન ચલાવે છે. પણ જે રીતે એને એક નવો કોન્સેપ્ટ રજૂ કર્યો છે એની નોંધ લેવાઈ રહી છે. આ રીક્ષા ચાલકનું નામ શ્રીકાંત પાત્રા છે. જેને યુટ્યુબમાંથી જોઈને પોતાની રીક્ષાને સોલાર રીક્ષામાં ફેરવી છે.
ખર્ચો વધતો હતોઃ સમગ્ર ઈનોવેશન અંગે વાત કરતા રીક્ષાના માલિક શ્રીકાંત કહે છે કે, હું છેલ્લા 15 વર્ષથી રીક્ષા ચલાવું છું. પહેલા મને ખર્ચો વધારે થતો એની સામે હું માંડ 300થી 400 રૂપિયા કમાતો હતો. જ્યારે ડીઝલના ખર્ચા પણ કાઢવાના રહેતા ત્યારે પોસાય એમ ન હતું. મોંઘવારીની સ્થિતિમાં ઘર ચલાવવું કઠિન થઈ રહેતું, અમે આર્થિક રીતે નાજુક કહી શકાય એવી સ્થિતિમાં જીવીએ છીએ. હું મારા છોકરાઓની ટ્યુશન ફી પણ ન ભરી શકું એવી સ્થિતિ હતી. છ મહિના પહેલા મેં એક ઈ રીક્ષા ખરીદી હતી. જેને હું સિટીમાં ફેરવતો હતો. પણ લો બેટરી અને ચાર્જિંગના પ્રોબ્લેમ્સથી હું પરેશાન હતો.
ધંધાને અસરઃ ચાર્જિંગ ન હોય તો ચાલે એમ ન હતું. આ સાથે બેટરીના ઈસ્યુથી પણ હેરાન હતો. જેની સીધી અસર દૈનિક ધોરણે થતી આવક પર થતી હતી. એટલું જ નહીં રસ્તા પર રીક્ષા પણ યોગ્ય રીતે ચલાવી શકતો ન હતો. દિવસ દરમિયાન વારંવાર ચાર્જિંગની જરૂર પડતી હતી. છઠ્ઠા ધોરણમાં ભણતી મારી દીકરીએ એક વખત યુટ્યુબમાં જોયું અને મને કંઈક આવું કરવા માટેની સલાહ આપી. પછી મને થયું કે, ઈ રીક્ષાને કેવી રીતે સોલાર રીક્ષામાં બદલી શકાય.જેનાથી ચાર્જિંગનો ઈસ્યું પણ ઉકેલાય અને રીક્ષા પણ સરળતાથી દોડે. મેં દીકરીના આ આઈડિયાને સલામ કરીને ઈ રીક્ષાને સોલાર રીક્ષામાં ફેરવવા માટેની માટેની નાની મોટી ડગલીઓ ભરવાની શરૂઆત કરી.
ફ્યૂલ ચાર્જ નહીંઃ અત્યારે મારી પાસે જે રીક્ષા છે એ સંપૂર્ણ રીતે સોલારથી ચાલે છે. એમાં કોઈ પ્રકારનું ફ્યૂલ ભરવું પડતું નથી. બેટરી ચાર્જ કરવાની પણ કોઈ મથામણ કરવી પડતી નથી. એટલું જ નહીં કોઈ પ્રકારનું પ્રદુષણ પણ આનાથી ફેલાતું નથી. પર્યાવરણને જાળવવામાં પણ હું આવી રીતે મદદ કરી શકું છું. એક વખત ફૂલચાર્જ કર્યા બાદ રીક્ષા 140 કિમી સુધી આરામથી દોડે છે.
કમાણી વધીઃ હવે હું દરરોજના રૂપિયા 1500થી વધારે જેટલું કમાઈ લઉં છું. ઘરનો ખર્ચો આરામથી નીકળે છે. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મેં તો આઠમા પછી અભ્યાસ છોડી દીધો હતો. હવે હું રીક્ષા ચલાવું છું. જોકે, શ્રીકાંતની આ પ્રકારની રીક્ષા જોઈને અન્ય રીક્ષા ચાલકોને પણ મોટી પ્રેરણા મળી છે.