નવી દિલ્હી/નોઈડા: દેશના બહુચર્ચિત નિઠારી કાંડના આરોપી મનિન્દર સિંહ પંઢેરને શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. અલ્હાબાદ હાઈકોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આદેશના લગભગ ત્રણ દિવસ બાદ કોર્ટનો પત્ર ગ્રેટર નોઈડાની લુકસર જેલમાં પહોંચ્યો હતો અને ત્યાર બાદ પંઢેરને જેલમાંથી છોડવામા આવ્યાં હતા. મનીન્દર સિંહ પંઢેર ગ્રેટર નોઈડાની લુક્સર જેલમાં જતાં પહેલા ગાઝિયાબાદની ડાસના જેલમાં બંધ હતાં.
13 વર્ષથી વધુ ભોગવ્યો જેલ વાસ: પંઢેરે 13 વર્ષ, 8 મહિના અને 2 દિવસ જેલમાં વિતાવ્યા છે. પંઢેર 13 ડિસેમ્બર 2007ના રોજ ગાઝિયાબાદ જેલમાં ગયા હતા અને 4 જૂન, 2023ના રોજ ગ્રેટર નોઈડાની લુકસર જેલમાં પહોંચ્યા હતાં. પંઢેર સામે કુલ ત્રણ કેસ હતા, જેમાં કોર્ટે ત્રણેય કેસમાં તેને નિર્દોષ છોડી મુકવામાં આવ્યાં છે.
ક્યારે શું થયું: આ કેસ 31 ઓક્ટોબર, 2006ના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે ડી5માં સફાઈ કામદાર એક મહિલા પોતાના ઘરે એવું કહીને નીકળી હતી કે, તે સુરેન્દ્ર કોલીના કહેવા પર કોઠી ડી5માં કામ કરવા માટે જઈ રહી છે. ત્યાર બાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 24 ડિસેમ્બર 2006માં કોઠી પાછળથી પોલીસને 16 માનવ ખોપરીઓ મળી હતી. જેની તપાસ દરમિયાન એક ખોપડી તે મહિલાની બતાવવામાં આવી હતી જે 31 ઓક્ટોબરના રોજ ડી5માં કામ કરવા માટે આવી હતી.
પંઢેર-કોલીને મળી હતી ફાંસીની સજા: 29 ડિસેમ્બર 2006ના રોજ નિઠારી કાંડ ખુલ્યા બાદ આરોપી સુરેન્દ્ર કોલીને કોઠી પાછળ ગેલેરી માંથી પણ ઘણો સામાન મળ્યો હતો. જેમાં કપડા, ચપ્પલ વગેરેનો સમાવેશ થાય છે. તો આ મામલામાં વિશેષ સીબીઆઈ ન્યાયધીશ રામચંદ્રએ 13 ફેબ્રુઆરી 2009ના રોજ સુરેન્દ્ર કોલી અને મુનીન્દર સિંહ પંઢેરને ફાંસીની સજા સંભળાવવી જેણે અલ્હાબાદ હાઈકોર્ટે રદ્દ કરી દીધી.