નવી દિલ્હીઃ ન્યૂઝક્લિકના ફાઉન્ડર પ્રબીર પુરકાયસ્થ અને કંપનીના મુખ્ય એચઆર અમિત ચક્રવર્તીએ આતંકવાદ વિરોધી કાયદો યુએપીએ અંતર્ગત તેમની ધરપકડ અને પોલીસ રિમાન્ડમાં હસ્તક્ષેપ કરવા માટે દિલ્હી હાઈ કોર્ટે ઈનકાર કર્યો છે. આ હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ પુરકાયસ્થે સોમવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે પુરકાયસ્થ અને ચક્રવર્તીના વકીલ સિબ્બલની દલીલો સાંભળી છે. બેન્ચે આ મામલે સત્વરે સુનાવણીની જરૂરત છે તેમ જણાવી કેસ સાથે સંલગ્ન દસ્તાવેજો મંગાવ્યા છે.
આરોપી તરફથી દલીલઃ સિબ્બલે દલીલ કરી કે, આ ન્યૂઝક્લિક મામલો છે. પત્રકાર પોલીસની કસ્ટડીમાં છે. જ્યાં આરોપીઓમાંથી એક વ્યક્તિની ઉંમર 75 વર્ષ છે. સીજેઆઈએ કહ્યું કે તે લિસ્ટિંગ પર નિર્ણય લેશે. 13 ઓક્ટોબરે દિલ્હી હાઈ કોર્ટની બેન્ચે પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ અને પોલીસ રિમાન્ડ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
3 ઓક્ટોબરે ધરપકડઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 3 ઓક્ટોબરથી બંને આરોપીની ધરપકડ કરી છે. ત્યારબાદ બંને આરોપીઓએ સાત દિવસની પોલીસ કસ્ટડીને પડકારવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આરોપીઓએ વચગાળાના જામીન અને તત્કાલ મુક્તિની માંગણી કરી છે. 10 ઓક્ટોબરે ટ્રાયલ કોર્ટે આરોપીઓને 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ચીનના પ્રચાર પ્રસાર માટે આરોપીઓએ ગેરકાયદેસર ફંડિંગ મેળવ્યું હોય તેવો આરોપ યુએપીએ કલમ અંતર્ગત લગાડવામાં આવ્યો છે.
2019ની ચૂંટણીમાં ષડયંત્રનો આરોપઃ આરોપ અનુસાર દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડવા અને ચીનનો પ્રચાર પ્રસાર કરવા માટે આરોપીઓને મોટી માત્રામાં ફંડિગ કરવામાં આવ્યું હતું. ન્યૂઝક્લિકના પુરકાયસ્થ પર 2019માં ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને હાનિ પહોંચાડવા માટે પીપલ્સ અલાયંનસ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ(PADS) સાથે મળીને ષડયંત્રનો આરોપ લગાડવામાં આવ્યો છે.