- કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની અટકાયત
- લખીમપુર ખેરી મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
- ઘટનાના તમામ આરોપીઓની માંગ સાથે પ્રદર્શન યોજાયું
ચંદીગઢ, પંજાબ : કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ અને પંજાબ યુથ કોંગ્રેસના પ્રમુખ બરીન્દ્ર ઢિલ્લોં સહિત પંજાબના ધારાસભ્યોએ ચંદીગઢમાં રાજ્યપાલ ભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, આ પ્રદર્શન ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસાના વિરોધમાં અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્રની ધરપકડની માંગ સાથે કરવામાં આવ્યું હતું. આ આંદોલન દરમિયાન સિદ્ધુ સહિત અન્ય ધારાસભ્યો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધી વાડ્રાની ગેરકાયદે ધરપકડ
કોંગ્રેસ દ્વારા નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર દ્વારા આપવામાં આવેલા નિવેદન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ગેરકાયદે ધરપકડ સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ લખીમપુર ખેરી કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી, આ ઉપરાંત હરિયાણાના મુખ્યપ્રધાનના નિવેદનની ટીકા કરતા તેમણે પદ્દ પરથી ઉતારવાની પણ માંગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન સાહેબનું નિવેદન ઘમંડી છે. તેમના આ નિવેદન પર રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ.
ચંદીગઢ પોલીસે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા
આ દરમિયાન ચંદીગઢ પોલીસે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે. તમામને કસ્ટડીમાં લઈ સેક્ટર 26 પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન, નવજોત સિંહ સિદ્ધુ સાથે પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના સભ્યો પણ હાજર રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્ર ઢિલ્લોં, આપ ધારાસભ્ય સુખપાલ ખૈરા, કોંગ્રેસ ધારાસભ્ય મદન લાલ જલાલપોર, ફતેહસિંહ બાજવા અને પિરામલ સિંહ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: