મધ્યપ્રદેશઃ દમોહ જિલ્લાની ગંગા જમુના શાળામાં હિજાબ પહેરવના વિવાદમાં મહિલા આચાર્યા સહિત 3નો જામીન પર છુટકારો થયો છે. હાઈકોર્ટ જસ્ટિસ ડી. કે. પાલીવાલે હુકમ કર્યો કે, હિન્દુ અને જૈન વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની ફરજ પાડવામાં ન આવે. તેમજ ધાર્મિક રીતે આવશ્યક એવા તિલક, જનોઈ વગેરે ધારણ કરવા માટે કોઈને રોકવામાં ન આવે.
સ્કાર્ફ અને હિજાબ માટે ફરજ પડાઈઃ ગંગા જમુના શાળાના મહિલા આચાર્ય અસફા શેખ, શિક્ષક અનસ અથર અને પટાવાળા રુસ્તમ અલી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમની ધરપકડની કલમોનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં 295 એ, 506, 120 બી, જૂવેનાઈલ એક્ટ તથા ધાર્મિક સ્વાતંત્ર્યની કલમોને આધારે 11 જૂને આ ત્રણેયની ધરપકડ કરાઈ હતી. ત્યારથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. પોલીસે આ ત્રણેય પર આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ નર્સરીથી લઈ ધો.12ની વિદ્યાર્થીનીઓને સલવાર સૂટ તેમજ સ્કાર્ફ પહેરવા માટે ફરજ પાડી હતી. શાળામાં વિધર્મની પ્રાર્થના, ઉર્દુ ભાષા તેમજ તિલક અને જનોઈ પહેરવા પર પણ પ્રતિબંધ હતો.
સ્કૂલ કમિટિએ નક્કી કર્યો ડ્રેસકોડઃ આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી અને જણાવ્યું કે ડ્રેસકોડનો નિર્ણય સ્કૂલ કમિટિ કરે છે. અરજદારોએ તો કર્મચારી હોવાને લીધે વિદ્યાર્થીનીઓ પાસે નિયમનું પાલન કરાવ્યું છે. આ શાળા માઈનોરિટી સમુદાયની છે, પરંતુ ધર્માંતરણની કોઈ ઘટના સામે આવી નથી. અરજદારો અઢી મહિનાથી જેલવાર ભોગવી રહ્યા છે.
પાંચ શરતો પર મળ્યા જામીનઃ કોર્ટે અરજદારોને ફરીથી આવું ન કરવા, શાળાના પરિસરમાં હિજાબ પહેરવા પર મજબૂર ન કરવા, વિદ્યાર્થીએને ધાર્મિક કરતા આધુનિક શિક્ષણ મળે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા, પાઠ્યપુસ્તકો આધારિત શિક્ષણ આપવા જેવી પાંચ શરતો પર જામીન આપ્યા છે.