મધ્ય પ્રદેશ: ઈન્દોરમાંં શ્વાનને ફરવા લઈ જવાની નજીવી બાબત પર ગાર્ડનો પાડોશીઓ સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ ગાર્ડે લાઇસન્સવાળી બંદૂકમાંથી ગોળીઓ ચલાવી હતી. આ મામલામાં પાડોશમાં રહેતા જીજા-સાળાનું મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય 6 સભ્યો પણ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લાઇસન્સવાળી બંદૂક કબજે કરી લીધી છે.
શ્વાનની લડાઈમાં હત્યા: રાત્રે 11 વાગ્યાની આસપાસ ગાર્ડ રાજપાલ કૂતરાને લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન વિસ્તારમાં રહેતો વિમલનો કૂતરો આવ્યો અને બંને લડવા લાગ્યા. જ્યારે રાહુલના પરિવારજનોએ વાંધો લીધો પછી વિવાદ વધ્યો. રાહુલના પરિવારના બાકીના લોકો પણ બહાર આવ્યા. ગુસ્સે થઈને ગાર્ડ ઘરે દોડ્યો અને તેની લાઇસન્સવાળી બંદૂક સાથે પહેલા માળે પહોંચ્યો.
2 લોકોના ઘટનાસ્થળે મોત: ગાર્ડ ઘરના ધાબા પરથી રાહુલ, વિમલ અને તેના પરિવાર પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં એવા લોકો પણ સામેલ છે, જેઓ લડાઈનો અવાજ સાંભળીને ઘરની બહાર નીકળી ગયા હતા.
ડોગને લઈને અવારનવાર ઝઘડા: આ સાથે પાડોશીઓએ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને સામાન્ય રીતે ડોગને લઈને જ ઝઘડા થતા હતા. ઘણી વખત કોલોનીના લોકોએ ગાર્ડને સમજાવ્યું પણ હતું. પણ તેની પર આ બધી બાબતોની કોઈ અસર ન થઈ. તેણે તેની સામે કોઈનું સાંભળ્યું નહિ.
" ગુરુવારે રાત્રે રાજપાલ પોતાના કૂતરાને ફરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન વિમલનો કૂતરો તેના પર ભસવા લાગ્યો હતો. આ બાબતે દલીલબાજી થઈ હતી અને બંને વચ્ચે વિવાદ વધ્યો હતો. થોડા સમય પછી ગાર્ડ તેના ઘરના પહેલા માળની બાલ્કનીમાં પહોંચ્યો હતો અને ત્યાંથી ફાયરિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે અનેક ગોળીબાર કર્યો હતો. જેમાં રાહુલ અને વિમલનું મોત થયું હતું અને અન્ય 6 લોકો ઘાયલ થયા હતા." - અમરેન્દ્ર સિંહ, એડિશનલ ડીસીપી