ઓડિશા: આવકવેરા વિભાગે મોટા પાયે ઓપરેશન હાથ ધરીને કરચોરીના આરોપસર બે દારૂ ઉત્પાદન અને વેચાણ કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશનમાં અધિકારીઓએ 300 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. આવકવેરા અધિકારીઓએ એક સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
દારૂ બનાવતી કંપનીઓ પર દરોડા: બૌધ, બાલાંગીર, રાયગઢ અને સંબલપુરમાં દારૂ બનાવતી કંપનીની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતા અને રાંચીમાં ફર્મની રજિસ્ટર્ડ ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કથિત કરચોરીના સંદર્ભમાં આઇટી અધિકારીઓએ કંપની સાથે સંબંધિત ઓછામાં ઓછા 5 સ્થળોએ દરોડા પાડ્યા છે. આઇટી ટીમોએ કંપનીના ડાયરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટરના નિવાસસ્થાને પણ સર્ચ કર્યું હતું.
એક ઓફિસમાં મળ્યા 150 કરોડ: બલદેવ સાહુ અને ગ્રૂપ ઓફ કંપનીઝની એક ઓફિસમાં 150 કરોડથી વધુ રકમ મળી આવી છે, જે પશ્ચિમી ઓડિશામાં સૌથી મોટી સ્થાનિક દારૂનું ઉત્પાદન અને માર્કેટિંગ કંપનીઓમાંની એક છે. આટલી રકમ જોઈને આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું. અધિકારીઓ દ્વારા રોકડ કબજે લેવામાં આવી છે. આઈટીની ટીમ કોલકાતા અને રાંચી પણ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ અથવા અન્ય કોઈ ભાગીદાર કંપનીઓ તરફથી આવકવેરાના દરોડા અંગે કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
દારૂના અનેક વેપારીઓ રડારમાં: પ્રાથમિક માહિતી મુજબ IT દ્વારા પલાસપલ્લીમાં બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડની કોર્પોરેટ ઓફિસ અને કેટલાક અધિકારીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી તરફ, બાલાંગિર અને તિતિલાગઢમાં દારૂના અનેક વેપારીઓ રડારમાં આવ્યા હતા. આવકવેરા વિભાગની 30 સભ્યોની ટીમે દારૂના વેપારી સંજય સાહુ અને દીપક સાહુના ઘર અને દારૂની દુકાન પર દરોડા પાડ્યા હતા.