નવી દિલ્હીઃ મણિપુર છેલ્લા ધણા સમયથી સળગી રહ્યું છે. જેના પર અનેક રાજનિતી રમાઇ રહી છે. તો બીજી બાજુ મણિપુરને લઇને અનેક નેતાઓ પણ ખેલ પાડી રહ્યા છે. વિપક્ષને લડવાનો મોકો મળી ગયો છે. આજે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે લોકસભામાં એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે સરકાર મણિપુરની ઘટના પર સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે. પરંતુ વિપક્ષ ગંભીર જણાતો નથી. લોકસભામાં મણિપુરના વિષય પર થયેલા હોબાળા વચ્ચે સરકારનો પક્ષ રાખતા ગૃહના ઉપનેતા સિંહે એમ પણ કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો એવી સ્થિતિ ઉભી કરવા માંગે છે કે મણિપુરના વિષય પર ગૃહમાં ચર્ચા ન થાય.
સમગ્ર દેશને શરમ: તેમણે કહ્યું કે મણિપુરમાં બનેલી ઘટનાની ગંભીરતાને સમજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું છે કે તેનાથી સમગ્ર દેશને શરમ આવી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષ સંસદમાં હંગામો મચાવી રહ્યો છે. વિપક્ષી સભ્યોની માંગ છે કે વડાપ્રધાન મોદીએ મણિપુરના મુદ્દે ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને ચર્ચા થવી જોઈએ.
ચોક્કસપણે ઘણી ગંભીર: રાજનાથ સિંહે કહ્યું, 'મણિપુરમાં બનેલી ઘટના ચોક્કસપણે ઘણી ગંભીર છે. તેની ગંભીરતાને સમજીને આપણા વડાપ્રધાને પોતે કહ્યું છે કે જે બન્યું તેનાથી સમગ્ર દેશ શરમ અનુભવે છે. વડા પ્રધાને મણિપુરની ઘટનાને લઈને આકરી કાર્યવાહીની વાત કરી છે. તેમણે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે મણિપુરની ઘટના પર સંસદમાં ચર્ચા થાય. મેં પોતે સર્વપક્ષીય બેઠકમાં આ વાત કહી હતી. આજે ફરી હું પુનરાવર્તન કરું છું કે અમે ઈચ્છીએ છીએ કે મણિપુરની ઘટનાની ચર્ચા ગૃહમાં થવી જોઈએ.
ઘટનાને ગંભીરતાથી લેવી: સિંહે કહ્યું, 'હું જોઉં છું કે કેટલાક રાજકીય પક્ષો એવી સ્થિતિ ઊભી કરવા માંગે છે કે કોઈ ચર્ચા જ ન થાય. હું સ્પષ્ટપણે આરોપ લગાવવા માંગુ છું કે વિપક્ષ મણિપુરની ઘટના પર જેટલા ગંભીર હોવા જોઈએ તેટલા નથી. તેમણે કહ્યું, 'મણિપુરની ઘટનાને ગંભીરતાથી લઈને ચર્ચા થવી જોઈએ. વિપક્ષે પણ મણિપુરની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ.