નવી દિલ્હીઃ પૂર્વોત્તર રાજ્ય મણીપુરમાં હિંસામાં કોઈ વિરામ મૂકાયું નથી. એક પછી એક હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. કુકી સમુદાયની મહિલાને નગ્ન કરીને ખેતરમાં ફેરવવામાં આવી હતી. અમાનવીય કહી શકાય એવું વર્તન કરાયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશનું માથું નમાવી દીધું છે. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોનસુન સત્ર શરૂ થાય એ પહેલા જ મીડિયા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, આ કેસમાં જે કોઈ હશે એને કોઈ રીતે માફ કરવામાં નહીં આવે.
શરમજનક ઘટનાઃ મણીપુરમાં દીકરીઓ સાથે જે વ્યવહાર થયો છે એ ઘટના ખરા અર્થમાં શરમજનક છે. આ કેસમાં સંડોવાયેલા કોઈ આરોપીને માફ કરવામાં નહીં આવે. આ ઘટનાથી મને પણ ઠેસ પહોંચી છે. મનમાં ક્રોધ અને દિલમાં પીડા છે. કોઈ પણ સમાજ માટે આવી ઘટના શરમજનક છે. પાપ અને ગુનો કરનારા કોઈ પણ જગ્યાએથી કાંડ કેમ ન કરે, બદનામી આખા દેશની થાય છે.
સુરક્ષા માટે પગલાંઃ બહેન અને દીકરીઓની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે. આ માટે ખાસ પ્રકારના પગલાં પણ ભરાશે. મણીપુરમાં બનેલી ઘટનાને કારણે દેશના 140 લોકોનું માથું શરમથી નમી ગયું છે. તમામ રાજ્યના મુખ્ય પ્રધાનને અપીલ કરૂ છું કે, પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર પૂરતુ ધ્યાન આપે. આવા કૃત્યો સામે કોઈ પ્રકારનું નરમ વલણ ન અપનાવે. ઘટના પછી કોઈ પણ રાજ્યની કેમ ન હોય, હું દેશની પ્રજાને વિશ્વાસ અપાવવા માગુ છું કે, આરોપીઓને કોઈ રીતે છોડવામાં નહીં આવે.
શું હતુંઃ મણીપુરના એક ગ્રામ્ય વિસ્તારમાં બે મહિલાને નગ્ન કરી રસ્તા પર ફેરવવામાં આવી હતી. પછી એને કોઈ એક ખેતરમાં લઈ જવામાં આવી હતી. નગ્ન સ્થિતિમાં નરાધમ એને અડપલા કરી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જોકે, પછીથી પોલીસે કાયદેસરના પગલાં લીધા હતા.