- મિઝોરમના સીએમ જોરામથાંગાએ મ્યાનમારના વિદેશપ્રધાન જિન માર ઓંગ સાથે બેઠક યોજી
- વર્ચ્યૂઅલ બેઠકમાં યુએસ સ્થિત મિઝો નેતાઓએ પણ ભાગ લીધો
- જો જનજાતિના લોકો સાથેના અત્યાચાર અને સતામણીને લઇને થઈ વાતચીત
ઐઝવાલઃ મિઝોરમના મુખ્યપ્રધાન જોરામથાંગાએ રવિવારે મ્યાનમારના વિદેશપ્રધાન જિન માર ઓંગ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યાનમારમાં સૈન્ય તખતાપલટ બાદની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ સંદર્ભે જો વંશીય લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગેની વાતચીત કરવા માટે બેઠક યોજાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મ્યાનમારમાં વસતાં જો લોકોને પડી રહેલી મુશ્કેલીઓ સંદર્ભે વ્યક્ત કરી સંવેદના
વર્ચ્યૂઅલ માધ્યમથી યોજાયેલી બેઠકમાં યુએસમાં રહેતાં મિઝો નેતાઓએ પણ ભાગ લીધો હતો. જોરામથાંગાએ મ્યાનમારમાં વસતાં જો લોકોને પડી રહેલી મુશ્કેલીઓ સંદર્ભે પોતાની સંવેદના પણ વ્યક્ત કરી હતી. તેમણે એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે આજે સવારે મ્યાનમારના વિદેશપ્રધાન જિન માર ઓંગ સાથે ફળદાયી બેઠક ઓનલાઈન માધ્યમથી કરી હતી. અમારી સંવેદનાઓ મ્યાનમારમાં રહેતાં જો જનજાતિના લોકો જે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે તેમની સાથે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ જે સહન કરી રહ્યાં છે અને જે માનસિક તણાવ વેઠી રહ્યાં છે તે ઝડપથી ખતમ થાય.
આ પણ વાંચોઃ લશ્કરી બળવા પછી મ્યાનમારમાં વિરોધ અને પ્રાર્થના
બંને નેતાઓએ મ્યાનમારમાં ફેબ્રુઆરીથી વ્યાપ્ત બળવાની પરિસ્થિતિને લઇને ચર્ચા કરી હતી તેમ મિઝોરમ સીએમઓના અધિકારીઓએ જણાવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને એકતાની ભાવના દર્શાવવા અને શાંતિની અપીલ કરવા સહિત મ્યાનમારમાં રહેતાં જો વંશીય લોકો જાતીય હિંસાનો ભોગ બની રહ્યાં છે તે સંદર્ભે વાત કરવામાં આવી હતી. મ્યાનમારમાં સેના દ્વારા સત્તા પર કબજો જમાવાયા બાદ અત્યાચાર અને ઉત્પીડનના શિકાર જો જનજાતિના લોકો માટે શાંતિનું આહ્વાન કરવા સાથે એકતાની ભાવના દર્શાવવામાં આવી હતી.
મિઝોરમમાં આવેલા ઘૂસણખોરોને અટકાવવા કેન્દ્રનો નિર્દેશ
પાછલાં કેટલાક સમયથી 500થી વધુ લોકો મ્યાનમારથી મિઝોરમમાં આવ્યાં છે. મ્યાનમાર સાથે મિઝોરમની 510 કિલોમીટર લાંબી સરહદ લાગુ પડે છે. કેન્દ્રએ ઘૂસણખોરી રોકવા અને ઘૂસણખોરોને પરત મોકલવા માટે નિર્દેશ આપ્યાં છે. જોકે, જોરામથાંગાએ 18 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મ્યાનમારથી આવી રહેલાં લોકોને શરણ આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ માનવીય સંકટ સામે આંખો બંધ કરીને બેસી ન રહેવું જોઇએ.
આ પણ વાંચોઃ મ્યાનમારમાં સંઘર્ષ, પોલીસકર્મીઓએ ભારતનો આશરો લીધો