નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના બંધારણમાં અનુચ્છેદ 142ના આધારે ઈરરીટ્રિવેલ બ્રેકડાઉન ઓફ મેરેજ ફોર્મ્યુલાને આધારે ગમે તેને છુટાછેડા આપી દેવાય નહીં. ભારતીય સમાજમાં હજુ પણ પતિ અને પત્ની વચ્ચે લગ્ન સંબંધની પવિત્રતા અને આધ્યાત્મિકતા જળવાઈ રહી છે. જેનાથી બંનેના જીવનમાં શુદ્ધતા આવે છે. ન્યાયાધીશ અનિરુદ્ધ બોઝ અન ન્યાયાધીશ બેલા ત્રિવેદી 89 વર્ષના પતિની છુટાછેડા માંગતી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. આ પતિની પત્નીની ઉંમર 82 વર્ષની છે. પત્નીની ઈચ્છા લગ્ન વિચ્છેદની ન હોવાથી સુપ્રીમ કોર્ટે છુટાછેડાની અરજી ફગાવી દીધી છે.
વેધક સવાલઃ સંયુક્ત બેન્ચે વેધક સવાલ પુછ્યો હતો. શું ભારતના બંધારણમાં અનુચ્છેદ 142ના આધારે ઈરરીટ્રિવેલ બ્રેકડાઉન ઓફ મેરેજ ફોર્મ્યુલાને આધારે ગમે તેને છુટાછેડા આપી દેવાય? જ્યારે કે હિન્દુ મેરેજ એક્ટ 1955માં છુટાછેડાની જોગવાઈ છે? 10મી ઓક્ટોબરે પોતાનો ચુકાદો આપતા બેન્ચે જણાવ્યું હતું કે છુટાછેડાની અરજીકર્તાએ ભારતીય સમાજમાં લગ્ન પ્રત્યેના આદર અને તેની મહત્વની ભૂમિકા વિશે ભૂલવું જોઈએ નહીં.
લગ્ન પવિત્ર અને આધ્યાત્મિકઃ ન્યાયાધીશ ત્રિવેદીએ ઉમેર્યુ કે ભારતીય સમાજમાં હજુ પણ પતિ અને પત્ની વચ્ચે લગ્ન સંબંધની પવિત્રતા અને આધ્યાત્મિકતા જળવાઈ રહી છે. જેનાથી બંનેના જીવનમાં શુદ્ધતા આવે છે. લગ્ન માત્ર કાયદાના પત્રોથી નથી ચાલતા પણ તેમાં સામાજિક મૂલ્યો પણ ભાગ ભજવે છે. તેથી બીજા કોઈપણ સંબંધ કરતા લગ્ન એ સમાજમાં સૌથી ઉપર છે. ભારતના બંધારણમાં અનુચ્છેદ 142ના આધારે ઈરરીટ્રિવેલ બ્રેકડાઉન ઓફ મેરેજ ફોર્મ્યુલાને આધારે ગમે તેને છુટાછેડા આપી દેવાય નહીં. આ કેસમાં પતિની ઉંમર 89 વર્ષ છે જ્યારે પત્નીની ઉંમર 82 વર્ષ છે. 1963માં તેમના લગ્ન થયેલા ત્યારથી લઈને અત્યાર સુધી પત્નીએ પતિ અને તેમના 3 બાળકોની સાર સંભાળમાં કોઈ પણ આશા રાખ્યા વિના આખું જીવન ખર્ચી કાઢ્યું છે.
પત્ની સાથ છોડવા તૈયાર નથીઃ સંયુક્ત બેન્ચે નોંધ્યુ કે પત્ની જીવનની આ ક્ષણે પણ પતિનો સાથ છોડવા માંગતી નથી અને લગ્ન જીવન યથાવત રાખવા માંગે છે. તેમજ પત્ની છુટાછેડા લીધેલી અવસ્થામાં મૃત્યુ પણ ઈચ્છતી નથી. તેથી અમે પત્નીની લાગણીને માન આપીએ છીએ. ન્યાયાધીશ ત્રિવેદીએ જણાવ્યું કે અમે ભારતના બંધારણમાં અનુચ્છેદ 142ના આધારે પતિની છુટાછેડાની અરજી માન્ય રાખીને પત્નીની લગ્ન યથાવત રાખવાની ઈચ્છાને અમાન્ય ન રાખી શકીએ. પતિની અરજી ફગાવતા બેન્ચે શિલ્પા શૈલેષ વિરુદ્ધ વરુણ શ્રીનિવાસનના ચુકાદાને પણ રેફરન્સ તરીકે રજૂ કર્યો હતો.
પતિ અને પત્નિ બંને ક્વોલિફાઈડઃ એપેક્ષ કોર્ટે પતિ અથવા પત્ની ગમે તે એક દ્વારા લગ્ન વિચ્છેદની મંજૂરી ન હોય તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 142ના આધારે ઈરરીટ્રિવેલ બ્રેકડાઉન ઓફ મેરેજ ફોર્મ્યુલાને કારગત ગણી નહતી. તેથી જ આવા પ્રકારના કિસ્સામાં વિવેકપૂર્વકની માવજત જરૂરી છે. આ કેસમાં પતિ એક ક્વાલિફાઈડ ડૉક્ટર છે અને વિંગ કમાન્ડરના હોદ્દા પરથી રીટાયર્ડ થયેલ છે, તેમના પત્ની એક સેન્ટ્રલ સ્કૂલમાં કામ કરતા હતા અને તે પણ રીટાયર્ડ થયેલા છે.
માર્ચ 1996માં કેસ નોંધાયો હતોઃ ચંદિગઢની જિલ્લા અદાલતમાં હિન્દુ મેરેજ એક્ટ 1955ના ક્રુરતા અને અવિવેક દાખવતા સેકશન 13(1)(ia) અને 13(1)(ib) અંતર્ગત પતિએ પત્ની સાથે છુટાછેડા માંગતો કેસ માર્ચ 1996માં દાખલ કર્યો હતો. 2009માં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે સેક્શન 13 અંતર્ગત છુટાછેડા માન્ય રાખ્યા હતા જેના વિરોધમાં પત્નીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.