નવી દિલ્હી : વર્ષ 2023 દરમિયાન રાજધાની દિલ્હીમાં કેટલીક એવી ગુનાહિત ઘટના સામે આવી જે દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. હેડલાઇન્સ બનાવી છે. વર્ષ 2023 ના પ્રથમ દિવસે એક બાળકીનો મૃતદેહ વિકૃત અને નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો, જે કાંઝાવલા કેસ તરીકે જાણીતો બન્યો હતો. તેની સામે વર્ષના છેલ્લા મહિનામાં સંસદ હુમલાની 22 મી વરસીના દિવસે ફરી એકવાર સંસદની સુરક્ષામાં ક્ષતિ સામે આવી હતી. આ સિવાય નિક્કી યાદવ મર્ડર કેસ, સગીર છોકરીની અનેક વખત છરીના ઘા મારીને હત્યા જેવી ચકચારી ઘટનાઓએ માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાંખ્યું હતું.
કાંઝાવલા કેસ : વર્ષ 2023 ના પ્રથમ દિવસે જ અમાનવીય ઘટના બની હતી. ન્યૂ યર સેલિબ્રેટ કરીને કારમાં પરત ફરી રહેલા પાંચ યુવકોએ અંજલી નામની યુવતીની સ્કૂટીને ટક્કર મારી હતી. આ દરમિયાન સ્કૂટર પર નિધી નામની યુવતી પણ બેઠી હતી. આ ઘટનામાં નિધિનો જીવ તો બચી ગયો હતો, પરંતુ અંજલી ઉપર કારના ટાયર ફરી વળ્યા હતા. કારમાં બેઠેલા યુવકો કારને રોકવાને બદલે તેને 12 કિલોમીટર સુધી કાર જોડે ઢસડતા રહ્યા અને બાદમાં ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે યુવતીનો નગ્ન અને વિકૃત મૃતદેહ મળી આવતા સમગ્ર દિલ્હી ચોંકી ઉઠયું હતું. ધરપકડ બાદ આરોપી દીપક, મનોજ મિત્તલ મિથુન, ક્રિષ્ના અને અમિતે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે કૃષ્ણ વિહાર વિસ્તારમાં સ્કૂટી સાથે કાર અથડાઈ હતી, ત્યારબાદ તેઓ ડરીને ભાગી ગયા હતા.
નિક્કી યાદવ હત્યાકાંડ : ફેબ્રુઆરી માસમાં નિક્કી યાદવ નામક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં નિક્કી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ આરોપી સાહિલે બીજી વાર લગ્ન કર્યા હતા. આ વાતનો નિક્કીએ વિરોધ કરતા આરોપીએ નિક્કીની હત્યા કરી લાશને એક ઢાબાના ફ્રીજમાં છુપાવી દીધી હતી. આ હત્યાકાંડમાં સાહિલનો ભાઈ, પિતા અને મિત્રો પણ સામેલ હતા. બાદમાં પોલીસે આ કેસનો પર્દાફાશ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની નિર્દયતાને કારણે આ મામલો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો.
જાપાની મહિલાની છેડતી : 8 માર્ચ 2023 ના રોજ જ્યારે આખો દેશ હોળીની ઉજવણીમાં મગ્ન હતો, ત્યારે રાજધાનીના પહાડગંજ વિસ્તારમાં એક જાપાની મહિલા બ્લોગરની છેડતીનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશને શરમાવ્યો હતો. આ ઘટનામાં હોળીના દિવસે રંગ લગાવવાના નામે જાપાની મહિલાની છેડતી કરવામાં આવી હતી. જોકે, પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.
વર્ષનો સૌથી ચકચારી હત્યા કેસ : ચકચારી ઘટનાઓની યાદીમાં સૌથી મોટો બનાવ 28 મે 2023 ના રોજ શાહબાદ ડેરી વિસ્તારમાં બન્યો હતો. જેમાં 16 વર્ષની સગીર છોકરીને 35 થી 40 વાર ચાકુ માર્યા બાદ આરોપી સાહિલે સગીરા પર અનેક વખત પથ્થરથી ઘા કરી ઠંડા કલેજે હત્યા કરી હતી. સગીરાનો વાંક માત્ર એટલો હતો કે તે સાહિલ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી અને તેની સાથે વાત કરતી ન હતી. હત્યા કર્યા બાદ આરોપી સાહિલ તેની માસીના ઘરે ભાગી ગયો હતો.
કિશોરી પર સામૂહિક બળાત્કાર : શાહબાદ ડેરીની ઘટના બાદ કિશોરી પર સામૂહિક બળાત્કારની ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. આ બનાવમાં કિશોરી પાર્કમાં તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ છોકરાઓ ત્યાં આવ્યા. તે છોકરાઓએ છોકરી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો અને ફરાર થઈ ગયા હતા. જ્યારે લોકોએ બાળકીને બેહોશ હાલતમાં જોઈ તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી એક સગીર વયનો આરોપી હતો. આરોપી રાહુલ ઉર્ફે છોટુ અને બોબી પુખ્ત વયના હતા, તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે સગીર આરોપીને બાલ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો.
હત્યા કર્યા બાદ આત્મહત્યાનો કિસ્સો : 27 જુલાઈના રોજ ડાબડી વિસ્તારમાં આશિષ નામના 23 વર્ષના યુવકે 42 વર્ષની મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ યુવકે ઘરે જઈને ખુદને ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બંને એક જ જીમમાં જતા હતા. તેમની વચ્ચે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
25 કરોડની જ્વેલરીની ચોરી : 25 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના જંગપુરા વિસ્તારમાં ભોગલ સ્થિત ઉમરાવસિંહ જ્વેલર્સમાં ચોરીની મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં 25 કરોડ રૂપિયાની જ્વેલરીની ચોરી થઈ હતી. ચોરીની આ ઘટનાએ વેપારીઓની ઊંઘ હરામ કરી નાખી હતી. ગુનો કર્યા બાદ આરોપી લોકેશ ચોરીના દાગીના લઈને છત્તીસગઢ ગયો, ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
ધોળા દિવસે લૂંટનો બનાવ : 1 નવેમ્બરના રોજ કરાવલનગરના પ્રેમ વિહારમાં એક જ્વેલરીની દુકાનમાં ગ્રાહકો ખરીદી કરી રહ્યા હતા. ત્યારે લગભગ 4:30 વાગ્યાની આસપાસ હેલ્મેટ પહેરેલા ત્રણ બદમાશ દુકાનમાં ઘૂસ્યા અને તેઓએ બંદૂકની અણીએ દુકાનના કાઉન્ટર પર રાખેલા લાખોની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી. જોકે દુકાનના કર્મચારીઓએ બદમાશોને પકડી લીધા હતા. જેમાં અન્ય બે બદમાશો ફાયરિંગ કરી લૂંટેલા દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
હત્યારાએ હેવાનીયતની હદ વટાવી : 21 નવેમ્બરના રોજ દિલ્હીના વેલકમ વિસ્તારમાં વધુ એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ચકચારી હત્યા બનાવમાં જનતા મઝદૂર કોલોનીમાં 350 રૂપિયા લૂંટવા માટે એક કિશોરે પહેલા યુસુફ નામના યુવકનું ગળું દબાવીને બેભાન કરી નાખ્યો હતો. ત્યારબાદ આરોપી કિશોરે ક્રૂરતાપૂર્વક ચાકુના 60 ઘા માર્યા, ઉપરાંત યુવકનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. હેવાનીયતની હદ વટાવતા નશામાં ધૂત હત્યારાએ મૃતદેહ પાસે ડાન્સ કર્યો અને મૃતદેહને વાળ પકડીને ખેંચ્યો પણ હતો. જ્યારે હત્યારાએ જોયું કે યુવક મરી ગયો છે, ત્યારે તે ત્યાંથી ફરાર થયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સંસદની સુરક્ષામાં ક્ષતિ : 13 ડિસેમ્બરના રોજ સંસદ પર આતંકવાદી હુમલાની 22 મી વરસીના દિવસે ફરી એકવાર સંસદની સુરક્ષામાં ક્ષતિનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. સાગર શર્મા અને મનોરંજન ડી નામક બે યુવાન લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને ગૃહમાં આવ્યા અને પીળો ધુમાડો છોડવા લાગ્યા. આ દરમિયાન સાંસદોએ તેમને પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધા હતા. આ દરમિયાન અમોલ શિંદે અને નીલમ આઝાદ નામના અન્ય બે આરોપીઓએ સંસદભવનની બાઉન્ડ્રીની બહાર કલર સ્મોગ છોડીને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતો. પાસે ઉભેલો લલિત ઝા નામનો વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો હતો. ચારેય આરોપીઓ ગુરુગ્રામમાં રહેતા વિક્રમ ઉર્ફે વિકીના મિત્રો છે. પોલીસે વિક્રમ અને તેની પત્નીને પણ પકડી લીધા હતા. જોકે આ મામલે હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે.