- પંચગંગા નદીનું હાલનું જળસ્તર 55.7 ફૂટ નીચે નોંધાયુ
- 1,35,313 લોકોને સ્થળાંતરીત કરાયા
- રાજ્યમાં NDRF અને SDRFની કુલ 25 ટીમો કાર્યરત
મહારાષ્ટ્ર: કોલ્હાપુર જિલ્લામાં મુશળધાર વરસાદનું જોર ઓછુ થયું છે. પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. શુક્રવારે રાત્રે જળસ્તર આશરે 56 ફૂટ સુધી પહોંચી ગયું હતું. જોકે, પંચગંગા નદીનું હાલનું જળસ્તર 55.7 ફૂટ નીચે આવી ગયું છે. શહેર સહિત જિલ્લાના વિવિધ પૂરગ્રસ્ત ગામોમાં પાણીની સપાટી પણ એક ફૂટ નીચે આવી ગઈ છે. જિલ્લાના 108 ડેમ હાલમાં ભયજનક સપાટીથી એક ફૂટ નીચે છે. કોલ્હાપુર શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારના દૃશ્યો ડ્રોન કેમેરા દ્વારા કેદ કરવામાં આવ્યા હતા.
112 લોકો સહિત 3,221 પશુઓના મોત
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. તેને કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતી સર્જાઈ છે અને કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 112 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગે આપેલી માહિતી અનુસાર, 99 લોકો હજી ગુમ છે. જો કે, આ વિસ્તારમાં હજી બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ 1,35,313 લોકોને સ્થળાંતર કરાયા છે. જ્યારે 3,221 પશુઓના મોત નોંધાયા છે.
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી, ચિપલૂણ અને અકોલામાં લેવાઈ NDRFની મદદ
મુખ્યપ્રધાને લીધી પીડિતોની મૂલાકાત
"તમારી આ સ્થિતી ખુબ ગંભીર છે, પરંતુ પહેલા તમારી જાતને બચાવો, બાકી સરકાર પર છોડી દો. અમે તમારું પુનર્વસન કરીશું, બધાને સહાય કરવામાં આવશે", આવા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તળીયે ગામમાં મૃતકના સંબંધીઓના આંસુ લૂછ્યા હતા. આજે 24 જુલાઈના રોજ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે મહાડના તળીયે ગામની મુલાકાત લીધી હતી. આ વખતે તેમણે પૂર પીડિતોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યપ્રધાને સ્થાનિકોને આપ્યું આશ્વાસન
આ દરમિયાન મુખ્યપ્રધાન બપોરના 2.15 વાગ્યે તળીયે ગામ પહોંચ્યા હતા. આ પ્રસંગે શહેરી વિકાસપ્રધાન એકનાથ શિંદે, વાલીપ્રધાન અદિતિ તાત્કરે, રાહત અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવાર, પરિવહનપ્રધાન અનિલ પરબ, મિલિંદ નાર્વેકર, સાંસદ સુનિલ તત્કરે, ધારાસભ્ય ભરત ગોગાવાલે, મુખ્ય સચિવ સીતારામ કુંટે અને જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ઘટના સ્થળે પહોંચતાની સાથે જ સ્થાનિકો અને વહીવટી અધિકારીઓએ તેમને આ ઘટનાની જાણકારી આપી હતી. મુખ્યપ્રધાને સ્થાનિકોની વાત સાંભળીને તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો.
NDRF અને SDRFની ટીમ કાર્યરત
રાજ્યમાં પડેલા મુશળધાર વરસાદને પગલે મહાદ, પોલાદપુર, ચિપલુન, રત્નાગિરિ તેમજ થાણે અને પાલઘર જિલ્લા સહિત સાતારા, કોલ્હાપુર અને સાંગલીના વિવિધ ભાગોમાં બેકલોગ સર્જાયો હતો. પૂરના કારણે આ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે અને જનજીવન ખોરવાયું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (SDRF) રાજ્યના વિવિધ ભાગોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા અપાયેલી સૂચના મુજબ આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધ સ્તરે કાર્યરત છે.
આ પણ વાંચો- મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ
25 યુનિટ દ્વારા રાજ્યમાં બચાવ કામગીરી
રાજ્યમાં કુલ 25 ટીમો કાર્યરત છે. ભુવનેશ્વરથી NDRFના 8 વધારાની ટીમ મંગાવવામાં આવી છે. તેમાંથી પાલઘર 1, થાણે 2, રાયગઢ 1-1, રત્નાગીરી 6, સિંધુદુર્ગ 2, સાંગલી 2, સતારા 3, કોલ્હાપુર 4, મુંબઇ 2, જ્યારે પુણેમાં 2 SDRF ટીમ બચાવ કામગીરી ચલાવી રહી છે.