- અન્ય રાજ્યોના કારણે દિલ્હી સુધી પૂરતો ઓક્સિજન નથી પહોંચતોઃ કેજરીવાલ
- PM નરેન્દ્ર મોદીએ દિલ્હીને પૂરતો ઓક્સિજનનો પૂરવઠો આપ્યો જ છેઃ કેજરીવાલ
- દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગુજરાત સહિત 10 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે PMની વાત
દિલ્હીઃ કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક યોજી હતી. બેઠકમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુના મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાને વાત કરી હતી. આ રાજ્યોમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ નોંધાયા છે. બેઠક દરમિયાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને મદદ પણ માગી હતી.
ઓક્સિજનનો પૂરવઠો વધારવા બદલ આભારઃ કેજરીવાલ
બેઠક દરમિયાન અરવિંદ કેજરીવાલે સૌથી પહેલા તો દિલ્હીમાં ઓક્સિજનનો પૂરવઠો વધારવા માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, કોરોના સંક્રમણ અંગે કેન્દ્ર સરકારની દરેક ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ IAFના એરક્રાફ્ટ અન્ય દેશોના ઓક્સિજન કન્ટેનરોને લઇ પાનગઢ પહોંચ્યા
ઓક્સિજનનો પૂરવઠો દિલ્હી પહોંચાડવામાં મદદ કરોઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, અત્યારે દિલ્હીને 700 ટન ઓક્સિજનની જરૂર છે. જ્યારે કેન્દ્ર સરકાર 480 ટન ઓક્સિજન આપી રહી છે, પરંતુ 24 કલાકમાં 480 ટનમાંથી ફક્ત 350 ટન ઓક્સિજન જ દિલ્હી પહોંચી શક્યો છે. કેટલાક રાજ્યોએ દિલ્હી આવી રહેલા ઓક્સિજનને અટકાવી દીધો છે.
આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં ઓક્સિજન ટેન્કના ટ્રક ચલાવતો ડ્રાઈવર પણ રીયલ લાઈફ હિરો
મુખ્યપ્રધાન હોવા છતા પણ કંઈ નથી કરી શકતોઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત છે, જેના કારણે અનેક દુર્ઘટના થઈ શકે છે. હોસ્પિટલ્સમાંથી ઓક્સિજનની અછતને લઈને મારી ઉપર ફોન આવે છે. તે સમયે હું મુખ્યપ્રધાન હોવા છતા કંઈ નથી કરી શકતો. આ સાથે જ કેજરીવાલે વડાપ્રધાનને વિનંતી કરી હતી કે, રાજ્યોના મુખ્યપ્રધાનને તેઓ ફોન કરીને કહે કે દિલ્હી આવતા ઓક્સિજન ટેન્કર્સને તેઓ અટકાવે નહીં.