કિશનગંજઃ ભારત-નેપાલ બોર્ડર પર એસએસબીની 41મી બટાલિયનના જવાનોએ ગેરકાયદેસર ભારતમાં પ્રવેશતી મહિલાને બાળક સાથે ઝડપી લીધી છે. મળતી માહિતી અનુસાર આ મહિલા અને તેનો પુત્ર નેપાળ સરહદેથી ભારતમાં ઘુસ્યા હતા. એસએસબી જવાનોએ આ મા દીકરાને પોલીસના હવાલે કર્યા હતા.આ બંનેની પુછપરછ પોલીસ કરી રહી છે.
એસએસબીની 41મી બટાલિયને ઝડપી લીધાઃ સુત્રો અનુસાર બુધવાર રાત્રે મહિલા અને તેનો દીકરો બંને નેપાળ સરહદેથી કિશનગંજમાં ઘુસ્યા હતા. એસએસબીની 41મી બટાલિયનના જવાનો અને બીઆઈટીના જવાનોએ આ મહિલાની પુછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શકી નહતી. આ મહિલાની જડતી લેતા તેની પાસેથી પાકિસ્તાની દસ્તાવેજો મળી આવ્યા હતા.
બાળક મહિલાનો દીકરો હોવાનું સામે આવ્યુંઃ કિશનગંજ પોલીસ અનુસાર આ પાકિસ્તાની મહિલાની ધરપકડ કિશનગંજ જિલ્લાના ઠાકુરગંજથી અંદાજિત 20 કિમી દૂર પાણીની ટાંકી પાસે કરવામાં આવી હતી. એસએસબી જવાનોએ પ્રાથમિક પુછપરછ કરતા મહિલાએ આ બાળક તેનો દીકરો હોવાનું જણાવ્યું હતું.
બે પાકિસ્તાની પાસપોર્ટ મળ્યાઃ મહિલા પાસેથી મળેલા દસ્તાવેજોમાં મા દીકરાના પાકિસ્તાની પાસપોર્ટનો સમાવેશ થાય છે. જેના પરથી મહિલા શાઈસ્તા હનીફ, પતિ મોહમ્મદ હનીફ હોવાનું બહાર આવ્યું છે. જયારે 11 વર્ષીય બાળક આર્યન હનીફ, પિતા મોહમ્મદ હનીફ હોવાનું માલૂમ પડ્યું હતું. આ બંને પાસપોર્ટમાં ગહનમાર સ્ટ્રીટ, શરાફા બજાર, કરાંચી,પાકિસ્તાન સરનામાનો ઉલ્લેખ થયો છે.આ બંને પાસપોર્ટનો નંબર AB6787504 અને FMFM9991713 છે.
સઘન પુછપરછઃ એસએસબી અનુસાર આ બંનેને સ્થાનિક પોલીસને હવાલે કરી દીધા છે. સ્થાનિક પોલીસ તેમની સઘન પુછપરછ કરી રહી છે. જેમાં ભારત શા માટે આવ્યા, ભારતમાં કોને મળવાના હતા અને કિશનગંજ સુધી કેવી રીતે પહોંચ્યા તેવા સવાલો પોલીસ પુછી રહી છે.